સર્કલ ન હોવાને કારણે અકસ્માતોમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19
પોરબંદરના જયુબેલી પુલ નજીક વધુ એક દુખદ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. ગઈકાલે બપોરના સમયે જયુબેલીના પુલ નજીક ટ્રકના હડફેટે આવતા રમાબેન હાજાભાઇ કડછા (ઉ.વ. 47) નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, રમાબેન પોતાના પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પરત ફરી રહ્યા હતા. એસ.ટી. બસથી ઉતરી, રસ્તો ક્રોસ કરતી વેળાએ, બેફામ ઝડપે આવતા ટ્રકના ચાલકે તેમને હડફેટ લેતા તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા. આ ઘટનાને પગલે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.આઇ રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ તરફ, અનેક વખત સર્કલ બનાવવાની માંગણી થયાં છતા, જયુબેલી ચાર રસ્તા પાસે કોઈ પ્રકારના ટ્રાફિક નિયમનના ઉપાય ન અપનાવવામાં આવ્યાની લોકોમાં ભારે નારાજગી છે. અહીં સતત થતા અકસ્માતોના કારણે લોકોની સલામતીનો મુદ્દો અતિમહત્વનો બની ગયો છે.
- Advertisement -
તંત્રની બેદરકારી સામે આક્રોશ
આ ઘટના ફરી એકવાર સ્થાનિક તંત્રની બેદરકારી પર સવાલ ઉઠાવે છે, કેમ કે આ વિસ્તારમાં સર્કલ ન હોવાને કારણે અવારનવાર ભારે વાહનોના અકસ્માતો બને છે, અને આજ સુધી અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડ્યા છે.