રેલનગરના વીમા એજન્ટનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મોરબી હાઇવે ઉપર કાગદડી પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અજાણ્યા વાહને રેલનગરના વીમા એજન્ટને ઠોકરે લેતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
મૂળ કોઠારીયાના અને હાલ મવડી બાપા સીતારામ ચોક પાસે ગુંજન ટાઉનશીપમાં રહેતા ભરતભાઈ ધનજીભાઇ રામાણી ઉ.42એ રેલનગરમાં રહેતા ભાઈ ભાવેશભાઈ ધનજીભાઈ રામાણી ઉ.32ને ઠોકરે લઈ મોત નિપજવનાર અજાણ્યા વાહન ચાલક સામે કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું જી.એસ.ટી. ઈન્કમ ટેક્સ ક્ષેત્રમાં વકીલાત કરું છું. અમે બે ભાઈઓ તથા એક બહેન છીએ. સૌથી મોટો હું છું મારાથી નાના બહેન હર્ષાબેન છે. અને સૌથી નાના મારા ભાઈ ભાવેશભાઈ હતા. જેઓ વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા. તેમના પરીવાર સાથે રેલનગર રાજકોટ ખાતે રહેતા હતા ગત તારીખ 13/10ના રોજ હું મારા ઘરે હતો ત્યારે સવારના સાડા છએક વાગ્યાની આસપાસ અજાણ્યા મોબાઈલ નંબર પરથી મને ફોન આવેલ અને જણાવેલ કે, રાજકોટ-મોરબી હાઇવે ઉપર કાગદળી ગામના પાટીયા પાસે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે તમારા ભાઇને હડફેટે લેતા અકસ્માત થયેલ છે તો તમે ઝડપથી અહીંયા આવો તેમ વાત કરતા હું કૌટુંબિક ભાઈ સાથે કાર લઈને કાગદળીના પાટીયા પાસે પહોચેલ ત્યાં જઇને જોતા મારા ભાઈનુ જીજે -03- એન.સી. -2549 નંબરનું ઇલેક્ટ્રિક સ્કૂટર એક્સિડન્ટ થયેલ હાલતમાં રોડની સાઇડમાં પડેલ જોવા મળ્યું હતું રોડની વચ્ચો-વચ્ચે મારા ભાઇ ભાવેશભાઈના શરીરના ટુકડા અલગ-અલગ જગ્યાએ કપાઈ ગયેલ હાલતમાં પડેલ જોવા મળ્યા હતા મારા ભાઈ મોરબી બાજુથી આવતા હતાં ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે હંકારી ચલાવી મારા ભાઇને સ્કૂટર સહીત હડફેટે લઈ અકસ્માત કરેલ હોય તેમજ આખા શરીર ઉપર ત્યાંથી પસાર થતા વાહનો ફરી વળતા શરીરના અલગ-અલગ ટુકડાઓ કરી ગંભીર પ્રકારની ઇજાઓ કરી સ્થળ પર જ મોત નિપજાવી નાસી ગયેલ હોય. જેથી આ અજાણ્યા વાહનના ચાલક સામે કાયદેસર થવા ફરિયાદ નોંધાવી છે.



