ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલનું 9 ફેબ્રુઆરીથી ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે આ પછી 15 ફેબ્રુઆરી 2025થી ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા દિલ્હીની નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. જે 29 માર્ચ સુધી દૈનિક ઉડાન ભરશે. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થયા બાદ રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની સંભાવના છે. તેવામાં સવારની દિલ્હીની ફ્લાઈટ શરૂ થતા બિઝનેસ ક્લાસ સહિતના હવાઈ મુસાફરોને આ ફ્લાઈટનો ખૂબ જ ફાયદો થશે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઈટની ડિમાન્ડ ઘણા સમયથી હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફ્લાઈટ શરૂ કરવા માટેનું એલાન કરાયું છે. જેમાં ફ્લાઇટ નંબર 639 દિલ્હીથી દરરોજ 6.10 વાગ્યે ઉડાન ભરશે અને 1.50 કલાકમાં એટલે કે સવારે 8 વાગ્યે રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચશે. બાદમાં આ જ ફ્લાઈટ નંબર 640 સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 8.30 વાગ્યે ઉડાન ભરશે અને 1.50 કલાકમાં એટલે કે સવારે 10.20 વાગ્યે દિલ્હી પહોંચશે. આ ફ્લાઈટ 15મી ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી દરરોજ ઉડાન ભરશે.
મહત્ત્વનું છે કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ દિલ્હીની સવારની એકપણ ફ્લાઈટ ઉડાન ભરી રહી નથી. જોકે 15 ફેબ્રુઆરીથી શરૂ થતી દિલ્હીની સવારની ફ્લાઈટ મુસાફરો માટે ફાયદારૂપ બનશે. હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 11 જેટલી ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં મુંબઈની 5, દિલ્હીની 2, બેંગલોર, હૈદરાબાદ, ગોવા અને પુણેની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જોકે હવે દિલ્હીની સાંજની 2 ફ્લાઈટની સાથે સવારની ફ્લાઈટ પણ શરૂ થતાં રાજકોટથી દિલ્હી જવાની ફ્રિકવન્સી વધી જશે અને તેથી 15 ફેબ્રુઆરીથી દિલ્હી જવા માટે દૈનિક 3 ફ્લાઇટ ઉડાન ભરશે.
સવારની દિલ્હીની ફ્લાઈટ શરૂ થતા બિઝનેસ કલાસને થશે ફાયદો, રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની સંભાવના