ક્રાઇમ બ્રાન્ચ એએસઆઈની ઓળખ આપી વેપારીને દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા
સાહેબ માનતા નથી, વધુ બે લાખ આપવા પડશે’ કહી પૈસા લેવા જતાં અસલી પોલીસે દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની હોટલમાં યુવકને પોલીસની ઓળખ આપી તોડ કરનાર શખ્સે ગોંડલમાં ક્રાઇમ બ્રાન્ચ એએસઆઈની ઓળખ આપી વેપારીને છેડતી અને દુષ્કર્મના ગુનામાં ફિટ કરાવી દઈશ તેવી ધમકી આપી 5 લાખ પડાવી લીધા બાદ ફરી 2 લાખ લેવા જતાં અસલી પોલીસે દબોચી લીધો છે ગોંડલમાં રહેતા અને ગ્રાફિક્સનો વ્યવસાય કરતા કેયુર નામના 28 વર્ષીય યુવાને ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગઇ તા.21/12/2024 ના રોજ બપોરના સમયે હું મારી ઓફિસના કામ સબબ રાજકોટ ગિરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવા ગયો હતો. પેમેન્ટ લઇ પરત રાજકોટના લીમડા ચોકથી રાજકોટ બસ સ્ટેશન આવવા રીક્ષામાં બેઠો. ત્યાં એક અજાણ્યો ભાઇ મોટર સાઇકલ લઇને આવ્યો. મને કહેલ કે હું ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. છું તેણે પોતાનું નામ મયુરસિંહ ઝાલા હોવામું કહ્યું. તેણે મને કહ્યું કે, તારું આધાર કાર્ડ બતાવ. મેં આધાર કાર્ડ અને મારી ઓફિસનું કાર્ડ તેને આપ્યું. તેણે મને કહ્યું કે, હું ગોંડલ ખાતે તારી તપાસમાં આવીશ. એ જ દિવસે હું બપોરે 3 વાગ્યે મારી ઓફિસે આવ્યો. ત્યાં થોડીવારમાં જ આ શખ્સ મારી ઓફિસે આવ્યો.
તે રાજકોટમાં એક છોકરીની છેડતી કરેલ છે. તારી ઉપર ફરીયાદ દાખલ થવાની છે. દુષ્કર્મ કેસ થશે. 10 વર્ષ સુધી જેલમાંથી છૂટીશ નહીં તેમ મને ધમકાવેલ. મેં કહેલ કે, મે કોઈ છોકરીની છેડતી કરેલ નથી. તો આ ભાઈ મને જોર જોરથી કહેવા લાગેલ કે તારે ગુનામાં ફીટ થવું છે કે, પછી વહેવાર કરી પતાવવું છે? તેમ કહેવા લાગેલ. મારો મોબાઈલ માંગી મારાં ખાતામાં રૂ. 15 લાખ છે તે ચેક કર્યું. પછી મને કહ્યું કે, 5 લાખ આપી ડે મારા સાહેબ સાથે વાતચીત કરી કેસ રફેદફે કરી નાખીશ. અમે બંને બાઇકમાં બેસી ગોંડલમાં આંબલી ચોકમાં રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક આવેલ. ત્યાં મેં પાંચ લાખનો ચેક ભરી રૂપિયા ઉપાડ્યા અને આ શખ્સને આપી દીધા. તા.28/12/2024ના રોજ ફરી તેનો ફોન આવ્યો અને પાંચ લાખમાં નહીં પતે હજુ વધુ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું. મેં તેની પાસે સમય માંગ્યો હતો મેં મારાં મિત્ર અંકિત પ્રવિણભાઈ કોટડીયાને વાત કરેલ. અંકિતે મને કહ્યું કે, હવે તારી પાસે પૈસા લેવા આવે ત્યારે મને વાત કરજે. ગઈકાલે તા. 21/1/2025ના રોજ ફરી આ પોલીસ મયુરસિંહ ઝાલાનો મને ફોન આવેલ. તે ઓફિસે રૂ. 2 લાખ લેવા આવે છે તેમ કહેતા મેં અંકિતને જાણ કરી. આ શખ્સ મારી ઓફિસે આવ્યો ત્યાં અંકિત પણ ગોંડલ પોલીસની ટીમ સાથે આવી ગયો. પોલીસને જોઈ આ શખ્સ ભાગવા ગયો પણ પકડાઈ ગયો. તેની પાસે પોલીસનું કાર્ડ માંગતા ન હોવાનું જણાવતા ગોંડલ પોલીસ ગાડીમાં તેને લઈ ગઈ હતી. તેણે પોતાનું સાચું નામ રાજકોટના પોપટપરામાં રહેતો મિહિર ભાનુ કુગશીયા હોવાનું
જણાવેલ હતું.