ઘરની જડતી લેતા દારૂ-બીયર મળી આવતા અલગથી ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આડા સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિ સામે દારૂનો અલગથી ગુનો નોંધાયો છે તાલુકા પોલીસે જડતી લેતા ઘરમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવતા પોલીસે અલગથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના અંબિકા ટાઉનશીપની શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા ગુરપ્પા મલ્લપા જીરોલીએ આડા સંબંધથી કંટાળી પત્ની અંબિકાની બ્લોકના ઘા ઝીકિ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ હરિપરા સહિતના સ્ટાફે આરોપીની ધરપકડ કરી હતી.
દરમિયાન પોલીસે તપાસ અર્થે ઘરની જડતી લેતા ઘરમાંથી દારૂની નાની મોટી 15 બોટલ અને 11 બીયરના ટીન મળી આવતા 10,535 રૂપિયાનો મુદામાલ કબજે લઈ હત્યાના ગુનામાં પોલીસ ગિરફતમાં રહેલા પતિ સામે વધુ એક પ્રોહિબિશનનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
15 વર્ષની તરુણીએ PIને કહ્યું: ‘સાહેબ મારા પિતાને સજા થવી જોઇએ’
પોલીસે હત્યા મામલે માહિતી મેળવવા પ્રયાસ કર્યા ત્યારે અંબિકાની 15 વર્ષની પુત્રી રોષ સાથે લાગણીવશ પણ થઇ ગઇ હતી. 15 વર્ષની સગીરાએ પીઆઇ હરિપરા સમક્ષ કહ્યું હતું કે, સાહેબ મેં વીડિયો જોયો નથી પરંતુ અમારા પાડોશીઓ કહેતા હતા કે મારા પિતાએ વીડિયોમાં કહ્યું છે કે ભૂલ થઇ ગઇ છે, પરંતુ આ ભૂલ નથી, ક્રાઇમ છે, મારા પિતાને સજા થવી જોઇએ, એમ પણ કહ્યું હતું કે, નગાભાઇ કાંબળિયા મારા પિતાના ભાગીદાર છે, તેઓ અવારનવાર તેના પરિવાર સાથે અમારા ઘરે આવતા હતા અને અમે પણ તેમના ઘરે જતા હતા, મારા પિતા ધંધાના કામે બહાર જતા ત્યારે ધંધાના કામ માટે જ ક્યારેક મારી માતા પર નગાભાઇનો ફોન આવતો હતો પરંતુ તેનાથી કોઇ અન્ય સંબંધ હોય તેવું ન કહી શકાય, અમને ક્યારેય એવું નથી લાગ્યું કે મારી માતા અને નગાભાઇને અન્ય કોઇ સંબંધ હોય.પિતાએ બોલાવી પણ પુત્રી કરડાકી આંખોથી માત્ર જોતી જ રહી પાસે ન ગઇ જેની હત્યા કરી નાખવામાં આવી હતી તે અંબિકાના બહેન શ્રીદેવી સહિતના પરિવારજનો પોલીસ સ્ટેશનના લોકઅપ પાસે આરોપી ગુરુપા જીરોલીને મળવા ગયા ત્યારે તેની 15 વર્ષની પુત્રી પણ તે તરફ ગઇ હતી પરંતુ તે દૂર ઊભી રહી હતી, પુત્રીને જોતા જ ગુરુપાએ લોકઅપના સળિયામાંથી બન્ને હાથ બહાર કાઢ્યા હતા અને પુત્રીને પોતાની પાસે બોલાવી હતી પરંતુ માતાની હત્યા કરનાર પિતાના કરતૂતથી પુત્રી રોષે ભરાઇ હતી તેણે પિતાની સામેકરડાકી નજરે જોયે રાખ્યું હતું અને નજીક ગઇ નહોતી, અંતે પોલીસે તમામ લોકોને લોકઅપ પાસેથી દૂર જવાકહ્યું હતું.