દેશની સૌથી ધનિક મહિલા મોટા અબજોપતિઓને પણ આપે છે ટક્કર, 10 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા અને હવે કોંગ્રેસને કહ્યું બાય-બાય
લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી.
સાવિત્રી જિંદાલે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી અને લખ્યું કે, મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. તેમણે આગળ લખ્યું કે, હું કોંગ્રેસ નેતૃત્વ અને મારા તમામ સાથીદારોના સમર્થન માટે હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.
- Advertisement -
मैंने विधायक के रूप में 10 साल हिसार की जनता का प्रतिनिधित्व किया और मंत्री के रूप में हरियाणा प्रदेश की निस्वार्थ सेवा की है।
हिसार की जनता ही मेरा परिवार है और मैं अपने परिवार की सलाह पर आज कांग्रेस पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे रही हूं । कांग्रेस नेतृत्व के समर्थन…
- Advertisement -
— Savitri Jindal (@SavitriJindal) March 27, 2024
રૂ. 2 લાખ કરોડથી વધુ છે સાવિત્રી જિંદાલની નેટવર્થ
સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલાઓમાં ટોચ પર છે, તેમની ઉંમર 84 વર્ષ છે અને તે જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ 28 માર્ચ, 2024 સુધીમાં સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $29.6 બિલિયન છે. જે ભારતીય રૂપિયામાં લગભગ 2.47 લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં 56માં સ્થાને છે.
કેવી રહી છે સાવિત્રી જિંદાલની રાજકીય કારકિર્દી ?
ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે 10 વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી. 2005માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી જિંદાલ હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ 2009માં હિસારથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર 2013માં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2006માં તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું પરંતુ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો.
ઘણા દેશોમાં છે જિંદાલ ગ્રૂપનો બિઝનેસ
ઓપી જિન્દાલ ગ્રૂપનો બિઝનેસ આજે ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. જેમાં સ્ટીલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ અને પેઇન્ટ સેક્ટરનો સમાવેશ થાય છે. JSW ગ્રુપ માત્ર દેશમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ મોટો બિઝનેસ ધરાવે છે. કંપની અમેરિકા, યુરોપ અને યુએઈથી ચિલી સુધી બિઝનેસ કરે છે. સાવિત્રી જિંદાલ પહેલા તેમના પુત્ર નવીન જિંદાલ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL)ના ચેરમેન નવીન જિંદાલ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, નવીન જિંદાલ 2004 થી 2009 અને 2009 થી 2014 સુધી કુરુક્ષેત્રથી કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે.