– બિભત્સ ગીતો કે લાગણી દુભાય તેવા ગીત કે સંગીત કે ભાષણો, સૂત્રોચ્ચાર ઉપર પ્રતિબંધ
– આજી ડેમ ઓવરફલો ચેક ડેમ, પાળગામ જવરાપીરની દરગાહ પાસે, ન્યારા પાટીયા પાસે, વાગુદડના પાટીયા પછી પૂલ નીચે વિસર્જન થઈ શકશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરભરમાં શ્રી ગણપતિ મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા ગણપતિ વિસર્જન માટે 7 સ્થળો નક્કી કરી આ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ મહોત્સવ અને સરઘસ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવુ કૃત્ય કરવા સહિતના મુદ્દે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેરનામામાં જણાવાયું છે કે તા.19થી 29 દરમિયાન ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે શહેરમાં અલગ-અલગ સાત સ્થળો નકકી કરાયા છે. જાહેરનામા મુજબ વિસર્જન માટે જે સ્થળો નક્કી કરાયા છે તેમાં આજી ડેમ ઓવરફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 1, ખાણ નં.2, આજી ડેમ ઓવરફલો ચેક ડેમ, પાળગામ જવરાપીરની દરગાહ પાસે, ન્યારા પાટીયા પાસે, વાગુદડના પાટીયા પછી પૂલ નીચે અને આજી ડેમ પાસે રવિવારી બજારના ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. જયારે તા.19 થી 29 દરમિયાન સક્ષમ સત્તાધીકારીની મંજુરી વગર ગણેશ વિસર્જનના સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકયો છે. આ ઉપરાંત મૂર્તિ વિસર્જનવાળા સ્થળોએ સિન્થેટીક લાઈનર (પાથરવાનું કપડુ) ગોઠવવાનું રહેશે. તેમજ વિસર્જન સ્થળ રાખવામાં આવેલ સિન્થેટીક લાઈનરને વિસર્જન બાદ 48 કલાક પહેલા વિસર્જીત મૂર્તિ સાથે બહાર કાઢી લેવાનું રહેશે. તેમજ વિસર્જન સ્થળે લાઈમ (ફટકડી) નાખી ચોખ્ખાઈ જળવાઈ રહે તે અંગે કાર્યવાહી કરવાની રહેશે. તો મૂર્તિ સુશોભિત કરી હોય, હાર, ફૂલ અને વસ્ત્રો તેમજ અન્ય વસ્તુઓ કાઢી મૂર્તિનું વિસર્જન કરી શકાશે. તેમ જાહેરનામામાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે.