બાળકના પિતાને પણ એક મહિનાની રજા આપવાની જોગવાઈ
ખાસ-ખબર સંવાદદાતા
સિક્કિમ સરકારે મેટરનિટી લીવને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં માતા બનનાર સરકારી મહિલા કર્મચારીઓને 12 મહિનાની રજા આપવામાં આવશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ એલાન કર્યું છે. આ ઉપરાંત બાળકના પિતાને પણ એક મહિનાની રજા આપવાની જોગવાઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં આ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે અને આ યોજના રાજ્યમાં લાગુ કરવામાં આવશે.
- Advertisement -
જેના કારણે રાજ્યની હજારો મહિલાઓને ફાયદો થશે. સિક્કિમ સ્ટેટ સિવિલ સર્વિસ ઓફિસર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરતા સિક્કિમના સીએમ તમાંગે જણાવ્યું કે, આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તેમના બાળકો અને પરિવારની સારી સંભાળ રાખવામાં મદદ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં તેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
આ એલાન અંગે સીએમ તમાંગે કહ્યું કે, અધિકારીઓ રાજ્ય વહીવટીતંત્રની કરોડરજ્જુ છે જેઓ સિક્કિમ અને તેના લોકોના વિકાસ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે કહ્યું કે સિવિલ સર્વિસ અધિકારીઓ માટે પ્રમોશનની પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના કારણે પ્રમોશનની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ તમામ નવનિયુક્ત ઈંઅજ અને જઈજ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. મેટરનિટી બેનિફિટ એક્ટ 1961 હેઠળ કામ કરતી મહિલા છ મહિના અથવા 26 અઠવાડિયાની પેઈડ મેટરનિટી લીવ મેળવવા માટે હકદાર છે. હિમાલયી રાજ્ય સિક્કિમમાં દેશની સૌથી ઓછી વસ્તી છે અને અહીં માત્ર 6.32 લાખ લોકો રહે છે. જેમાંથી લાખો નોકરીયાત લોકોને હવે પ્રસૂતિ અને પેટરનિટી રજા લંબાવવાનો
લાભ મળશે.