આમાં કેવી રીતે ભણશે નાના ભૂલકાઓ?
આંગણવાડીની આસપાસ ગંદકીથી રોગચાળો ફેલાય તેવી દહેશત: લોકોમાં આક્રોશ
- Advertisement -
વોર્ડ નં.9માં ગંદકી બાબતે રજૂઆત પરંતુ કોઈ નક્કર પગલા નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્માર્ટ સિટી ગણાતા રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ઘણા ખરા વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી મહાપાલિકા તંત્રની સ્વચ્છતાની કામગીરી સાવ ખાડે ગઈ હોવાનું જોવા મળે છે. રૈયા રોડ પર કનૈયા ચોક પાસે આવેલી આંગણવાડી નં- 75-76 અને 78 બહાર ગંદકી અને કચરાના ગંજ ખડકાયા છે. ત્યારે સવાલ એ થાય કે, આમાં ભૂલકાઓ કેવી રીતે ભણશે…? આ આગંણવાડીની આસપાસ કાગળ-પ્લાસ્ટિક, કચરો, વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે અહીં મચ્છરોના ઉપદ્રવ પણ થવાની સંભાવના છે ત્યારે અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ખુબ જ સંભાવના રહેલી છે. અહીં પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ આવે છે અને આવા દ્રશ્યોને કારણે ભુલકાંઓના જીવન પર પણ આડઅસર પડે તેમ છે આ આંગણવાડીના મેદાનમાં પણ ઘાસ અને બિનજરૂરી ખડ ઉગ્યું છે જેમાં જીવજંતુ કે અન્ય ઝેરી જનાવરો પણ ક્યારેક નીકળી શકે અને બાળકોને પણ કરડે તો જવાબદારી પણ કોણ લેશે ? આમ આંગણવાડી કેન્દ્રો પરની ગંદકી દુર કરી સ્વચ્છ રાખવા માટે કેટલાંક આંગણવાડી કેન્દ્રના આશાવર્કર બહેનોએ વોર્ડ નં-9માં રજૂઆત કરી છે પરંતુ હજું સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.



