ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં લોકચાહના ધરાવતી ’શક્તિ સ્કૂલ’ના સંચાલકો સુદિપભાઈ મહેતા અને બ્રિજેશભાઈ મહેતા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા અનંતરાય ગિરજાશંકર મહેતાની સ્મૃતિમાં અને તેમના નામથી અનંત શિક્ષા અભિયાન શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
જેમાં ધોરણ 11-12 સાયન્સના આર્થિક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક શિક્ષણની સુવિધાઓ પુરી પાડવાનો સમાજ અને શિક્ષણજગત માટે પ્રેરણાદાયી સંક્લ્પ કરવામાં આવ્યો છે.
- Advertisement -
અનંત શિક્ષા અભિયાન અંગે વધુ માહિતી આપતા શકિત સ્કૂલના સંચાલકો સુદિપભાઈ મહેતા અને બ્રિજેશભાઈ મહેતા જણાવે છે કે સ્વર્ગસ્થ પિતાની પ્રેરણા અને વિચારબીજથી શરૂ કરવામાં આવેલ શક્તિ સ્કૂલ શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતરમાં અને ચણતરમાં યોગદાન આપવા સક્ષમ બની છે.
આ અભિયાનમાં વિદ્યાર્થીઓ પાસેથી એક પણ રૂપિયાની ફી લેવામાં આવશે નહીં. આ અભિયાન અંતર્ગત અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમના વિદ્યાર્થીઓને દર વર્ષે નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે અને તેઓના શિક્ષણનો તમામ ખર્ચ ‘શકિત સ્કુલ’ના સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવશે.
અનંત શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ‘શકિત સ્કુલ’, શિવસંગમ સોસાયટી મેઇન રોડ, જલારામ-2, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ફોર્મ મેળવવાનું રહેશે.