કારખાનામાંથી 3000 કિલો અખાદ્ય દાબેલા ચણાનો જથ્થો મળ્યો, નાશ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આજી ડેમ વિસ્તારમાં લાયસન્સ વગર જ દાબેલા ચણા બનાવતું કારખાનું ઝડપાયું છે. આ લાયસન્સ વગરના કારખાનામાં દાબેલા ચણા, ફ્રાઈમ્સ અને મગની પ્રોડક્ટસ બનાવવામાં આવતા હતા ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની શાખા દ્વારા લાયસન્સ વગર ધમધમતા આ કારખાનામાં રેડ પાડવામાં આવી હતી જ્યાં મોટી માત્રામાં ફૂગવાળા દાબેલા ચણાનો જથ્થો મળી આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સાથે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ફૂડસેફ્ટી ઓફિસર કે. એમ. રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર સી. ડી. વાઘેલા સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન દિનદયાળ ઈન્ડ. એરિયા, શેરી નં. 6, આજી ડેમ ચોકડી પાસે આવેલી કલ્પેશભાઈ બડોખરીયા- જીતેન્દ્રભાઈ ગુપ્તાની ઉત્પાદક પેઢી કલ્પેશ ટ્રેડર્સ- જે.કે. સેલ્સની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. જ્યાં આ પેઢીમાં દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું જાણવા મળતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલ ચણા ફૂગવાળા તેમજ અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલા જોવા મળ્યા હતેમજ તેમાં શંખજીરૂનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. જે પેઢીના ઉત્પાદકો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
અખાદ્ય પલાળેલ ચણાનો સંગ્રહ કરેલ કુલ 2500 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ સર્વેલન્સ ચેકીંગ દરમિયાન દિનદયાળ ઈન્ડ. એરિયા શેરી નં. 6, આજી ડેમ ચોકડી પાસે રાજકોટ ખાતે આવેલ અજયભાઈ છેદીલાલ ગુપ્તાની ઉત્પાદક પેઢી આશા ફૂડ્સની સ્થળ તપાસ કરવામાં આવી. જ્યાં દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું અને તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલ ચણા, દાબેલા મગ, પંજાબી સ્ટીક અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલા હતા. અહીં અખાદ્ય કુલ મળી 3000 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો અને સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.