રજૂઆત છતાં મનપા તંત્ર દ્વારા ડિમોલીશન ન કરાતા અંતે મકાન ધરાશાયી થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટમાં જેટલા પણ જર્જરિત મકાનો છે તે મકાનમાલિકોને નોટીસ મનપા દ્વારા ફટકારવામાં આવી છે ત્યારે આજરોજ હાથીખાના વિસ્તારમાં એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
- Advertisement -
ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જેટલા પણ જર્જરિત મકાનો છે તેને ખાલી કરવા અને રિનોવેશન કરાવવા મકાનમાલિકોને નોટીસ આપવામાં આવી છે અને નોટીસ આપ્યા છતાં જે મકાનમાલિકો ઘર ખાલી કરતાં નથી તેના લાઈટ, નળના કનેકશન કાપી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ત્રણેય ઝોનમાં જર્જરિત મકાનો હોય તેવા અંદાજે 2556 ઘરો ખાલી કરાવવા નોટીસ આપવામાં આવી છે ત્યારે આજરોજ હાથીખાના વિસ્તારમાં આશરે 80થી 100 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે અનેક વખત રહેવાસીઓ દ્વારા પણ રજૂઆત કરાઈ હતી છતાં પણ તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી કરવામાં ન આવતાં અંતે આજે આ મકાન ધરાશાયી થયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.