ઇન્ચાર્જ ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં તપાસ થશે, 20 દિવસમાં રિપોર્ટ આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સ્મશાનમાં મોકલવાનાં લાકડામાં કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. જેમાં જન્માષ્ટમીના તહેવારોમાં વરસાદને કારણે ધરાશાયી થયેલા સેંકડો વૃક્ષોના લાકડા સ્મશાનમાં મોકલવાના હોય છે. જેને બદલે આ લાકડા બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે મનપા દ્વારા તપાસ સમિતિ નીમીને તપાસ શરૂ કરાવાઈ છે. ઇન્ચાર્જ ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં આ કૌભાંડની તપાસ કરીને 20 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે ઇન્ચાર્જ મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરેનાં જણાવ્યા મુજબ, આ કૌભાંડને ખુબ ગંભીરતાથી લીધું છે અને તપાસ માટે ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટના વડપણ હેઠળ તપાસ ટીમ બનાવવામાં આવી છે. આગામી 20 દિવસમાં એટલે કે, અંદાજે 25 સપ્ટેમ્બર સુધીમાં તપાસ કરીને આ સમિતિએ રિપોર્ટ સૂપરત કરવાનો રહેશે. આ રિપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તપાસના મુદ્દાઓમાં મનપા દ્વારા મોકલાયેલા લાકડા ભરેલા ટ્રેકટરો ક્યાં મોકલાયા હતા અને તે કયા ગયા હતા.
સ્મશાન દ્વારા જે ચક્કીઓ આપવામાં આવી છે, તેના ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે. સબંધિત કર્મચારીઓના નિવેદનો પણ નોંધવામાં આવશે.
તપાસ પૂર્ણ થયા બાદ જ બિલ પાસ કરાશે : સ્ટેન્ડિંગ ચેરમેન
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. ત્યારે સ્મશાનના લાકડા હેરફેરમાં ગોલમાલ કરનારા જે કોઈ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો રિપોર્ટ આવશે તો અમે બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરીશું. હાલમાં આ માટેના બધા બિલ અટકાવવા માટે સૂચના આપી દીધી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ બિલ પાસ કરવામાં આવશે.