આજરોજ ટંકારા તાલુકામાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે એક ઇકો ફ્રેન્ડલી મતદાન બુથ ઊભું કરવામાં આવ્યું છે. આ મતદાન બુથ સૌ મતદારો અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ટંકારાના કલ્યાણપુર ગામે ઉભા કરાયેલા આ ઈકો ફ્રેન્ડલી મતદાન બુથમાં સમગ્ર જગ્યાએ ગારથી લીપણ કરવામાં આવ્યું છે. સાથે જ દિવાલો પર સકારાત્મક સ્લોગન લખવામાં આવ્યા છે. મતદારોના સ્વાગત માટે મતદાન મથક પર ફુલનું સુશોભન અને બેસવા માટે ખાટલા રાખવામાં આવ્યા છે. પાણી પીવા માટે માટીના માટલા પણ રખાયા છે. આ ઉપરાંત મતદાન બુથ પર મતદાન કુટીર પણ વાંસમાંથી બનાવવામાં આવી છે, કચરા પેટી પણ વાંસમાંથી બનાવવામાં આવી છે. આસોપાલવ અને ફૂલના તોરણો લગાવવામાં આવ્યા છે અને સાથે જ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે. આ મતદાન કેન્દ્ર જોતા લાગી રહ્યું છે કે આ એક લોકશાહીનો પર્વ હોય તે રીતે સુશોભન કરવામાં આવ્યું છે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
ટંકારાના કલ્યાણપુર ગામે ઈકો ફ્રેન્ડલી મતદાન બુથ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

Follow US
Find US on Social Medias