મતદારોને ઇકો ફ્રેન્ડલી થેલી અને રોપા વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
જૂનાગઢના શ્રીમતી આર.જે. કનેરિયા સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથકની જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ મુલાકાત લઇ મતદારો સાથે સંવાદ સાધી અને મતદાનનું નિરીક્ષણ કર્યું હતું.
જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશો આપતી થીમ સાથે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક મતદારોમાં આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસીયાએ મોતીબાગ પાસેના સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથકની મુલાકાત લઇ મતદાન નું નિરીક્ષણ કર્યું હતું. અને પોલિંગ સ્ટાફ પાસેથી મતદાન અંગેની વિગતો મેળવી હતી.આ ઉપરાંત મતાધિકારની પવિત્ર ફરજ અદા કરનાર મતદારો સાથે સંવાદ પણ સાધ્યો હતો. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીએ વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોના ઉત્સાહને પણ બિરદાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાન માટે આવનાર નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંદેશો મળે એ માટે શ્રીમતી આર જે કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આ મોડેલ મતદાન મથક તૈયાર કરાયું છે. જેમાં મતદારોને મતદાન બાદ પ્લાસ્ટિક મુક્ત ગિરનારના સંદેશા અને મતદાન અવશ્ય કરીએ ના સંદેશો સાથેની ઇકો ફ્રેન્ડલી થેલી અને રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે જ આ મતદાન મથકમાં નાગરિકોએ મતદાન કર્યા બાદ સેલ્ફી ઝોનમાં સેલ્ફી પણ લીધી હતી.