ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક વધારો
થોડા શ્રમ બાદ શ્ર્વાસ લેવામાં તકલીફ થાય, હૃદયના ધબકારા અનિયમિત થઇ ગયા હોય તો ચેતવણીનું એલાર્મ: ડોક્ટર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકની સામે આવેલી અનેક પૈકીની આ કેટલીક ઘટના ચોંકાવનારી છે. ગુજરાતમાં દિન-પ્રતિદિન હાર્ટ એટેકને કારણે યુવાનોમાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં યુવાનો જ નહીં બાળકોમાં પણ હાર્ટ એટેક આવવાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.
આ બાબત પ્રત્યેક માટે ચેતાવણીના એલાર્મ સમાન બની ચૂકી છે. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ગુજરાતમાં આ વર્ષે જૂન સુધી હૃદય સંબધિત ઈમરજન્સીના 29417 કોલ્સ આવ્યા છે. આમ, પ્રત્યેક દિવસે 163 જેટલા કોલ્સ હૃદયની સમસ્યા અંગે આવતા હોય છે. ગત વર્ષે કાર્ડિયાક સંબધિત ઈમરજન્સીના દરરોજ સરેરાશ 135 કોલ્સ આવતા હતા. જેના ઉપરથી જ આ વર્ષે કાર્ડિયાક ઈમરજન્સીના કેસમાં કેટલો વધારો થયો છે તેનો અંદાજ મેળવી શકાય છે. આમ, આ વર્ષે અત્યાર સુધી પ્રત્યેક કલાકે સરેરાશ કાર્ડિયાક ઈમરજન્સીના સરેરાશ 7 કોલ્સ આવે છે.
ખાનગી અને સરકારી હોસ્પિટલમાં હૃદય સંબધિત સમસ્યા સાથે દાખલ થતાં દર્દીને જોવામાં આવે તો કહી શકાય કે ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10થી વધુ વ્યક્તિને હૃદય સંબધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. 108ને આ વર્ષે હૃદય સંબધિત સમસ્યાના કુલ 60 હજારથી વધુ કોલ્સ આવે તેમ મનાઇ રહ્યું છે. ગત વર્ષે હૃદય સંબધિત સમસ્યાના 49321 કોલ્સ આવ્યા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદય સંબધિત સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં 12 ટકાનો વધારો થઇ શકે છે. આ અંગે ડોક્ટરો જણાવે છે કે, થોડા શ્રમ બાદ શ્વાસ લેવામાં સમસ્યા પડતી હોય, ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ એટેક હોય, ધબકારાની ગતિ અનિયમિત રહેતી હોય તો તાકીદે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
- Advertisement -
ઘટના-1 : 16 હજારથી વધુ હાર્ટ સર્જરી કરનારા જામનગરના તબીબનું હાર્ટ એટેકથી અવસાન.
ઘટના-2 : નવસારી ખાતે ધોરણ 12માં અભ્યાસ કરતી કિશોરીએ હાર્ટ એટેક આવતાં સ્કૂલમાં જ જીવ ગુમાવ્યો.
ઘટના-3 : એક જ દિવસમાં રાજકોટ અને જૂનાગઢમાં કિશોરના હાર્ટ એટેકથી મૃત્યુ.



