અમેરિકા, જાપાન અને દ. કોરિયાના સંયુક્ત યુદ્ધાભ્યાસ પછી કીમ-જોંગ ઝનૂને ચઢ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર કોરિયા અને અમેરિકા ફરી એકવાર સામસામા આવી ગયા છે. અમેરિકાએ, દ. કોરિયા અને જાપાન સાથે કરેલા યુદ્ધાભ્યાસ પછી ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઉનને ઝનૂને ચઢયા છે. આ યુદ્ધાભ્યાસ દરમ્યાન અમેરિકાએ પોતાની તાકાત દેખાડવા તેનું બોમ્બર વિમાન ઉત્તર કોરિયાની આકાશ સીમાની તદ્દન નજીક ઉડાડયું તેથી ગિન્નાયેલા જોંગે તે વિમાન પાસેથી પોતાનું બેલાસ્ટિક મિસાઇલ ઉડાડયું. જો કે, તે પછીથી તો દ. કોરિયા પાસેના સમુદ્રમાં પડયુ તે અલગ વાત છે. આથી દક્ષિણ કોરિયા અને જાપાન તથા અમેરિકામાં હડકંપ મચી ગયો છે.
- Advertisement -
બીજી તરફ દ. કોરિયા કહે છે કે, વાસ્તવમાં તે મિસાઇલ અમારા જલક્ષેત્રમાં પડયું હતું. આ જલ ક્ષેત્રમાં ખનિજ તેલના ભંડારો હોવાનું પણ જાણવા મળ્યું છે. તે વિસ્તારમાં ઉત્તર કોરિયાનું મિસાઇલ ખાબક્યું હતું. દક્ષિણ કોરિયાના જોઇન્ટ- ચીફ ઓફ સ્ટાફનું કહેવું છે કે, આ ઘટના બુધવારે બની હતી પરંતુ તેથી વધુ તેમણે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો. તે મિસાઇલ, કેટલા દૂર સુધી ગયું, તે પાછળ ઉ. કોરિયાનો હેતુ શો હશે અને દ. કોરિયા તેની જવાબી કાર્યવાહી માટે કેટલુ તૈયાર છે તે કશું કહ્યું ન હતું.
બીજી તરફ અમેરિકાએ દક્ષિણ કોરિયાનો પક્ષ લઈ ઉત્તર કોરિયાને ચેતવણી પણ આપી છે. આ અંગે સૌથી વધુ ઉલ્લેખનીય બાબત તો છે કે ઉતર કોરિયા અમેરિકાથી પણ ડરતું નથી. આ સપ્તાહના પ્રારંભમાં જ કીમ-જોંગ-ઉને તેના સૈનિકોને પ્રચંડ યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.