મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે મુખ્યમંત્રીના હસ્તે ચેક સ્વીકાર્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે માન.મુખ્યમંત્રીના વરદ હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અનુસાર રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે ગઇકાલના રોજ મુખ્યમંત્રીના વરદ હસ્તે રૂ.2084.00/- કરોડના ચેક અર્પણનો કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
ગાંધીનગર ખાતે આયોજિત શહેરી વિકાસના કામો માટે ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135/- કરોડની ફાળવણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.135/- કરોડની માતબાર રકમની ફાળવણી કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તા.01/01/2024ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરી હતી અને નવા વિકાસ કામોના પ્રોજેક્ટ્સ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.