ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મિલીભગતનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશ પૂર્ણ થયા બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમજ મતદાર યાદીમાં સુધારા, નામ ઉમેરવા કે રદ કરવા માટેની પ્રક્રિયા પણ અમલમાં મુકવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો દસાડા, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી તથા ચોટીલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં અલગ-અલગ વ્યક્તિઓના નામે મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ નં. 7 ભરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં કુલ અંદાજે 24,000થી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર સાથે મિલીભગત કરીને કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારોમાં ઇરાદાપૂર્વક મતદારોના નામ રદ કરાવવાની સાજિશ રચાઈ છે. આ મુદ્દે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે સભા યોજી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા તથા રેલી યોજવામાં આવી હતી. બાદમાં જિલ્લા કલેક્ટર તથા એસ.પી. કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ ભરનાર તમામ વ્યક્તિઓ સામે અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે, ફોર્મ નં. 7 ક્યાં પ્રિન્ટ કરવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવે, આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયેલા સોફ્ટવેરની તપાસ થાય, ફોર્મ નં. 7 કોણે અને ક્યાંથી જમા કરાવ્યા તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે ફોર્મ ભરાયેલા તમામ મતદારોના નામ રદ ન કરી યથાવત રાખવામાં આવે, આ માંગણીઓ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી ત્રણ દિવસમાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો 13 ફેબ્રુઆરીના રોજ રસ્તા રોકો, ચક્કાજામ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.



