ખાસ-ખબર ન્યૂઝના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલની દવા બારીઓમાં ચાલતી ગંભીર અવ્યવસ્થા, બે-બે કલાક સુધી ચાલતી દર્દીઓની લાંબી લાઈનો અને સ્ટાફના ઉડાવ જવાબોને લઈને ખાસ ખબર ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલનો તાત્કાલિક અસરકારક પ્રભાવ જોવા મળ્યો છે. અહેવાલ પ્રકાશિત થતાં જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું અને દવાઓની કુલ 6 બારીઓમાંથી માત્ર 2 જ ખુલ્લી રાખવાની જૂની પ્રથા તાત્કાલિક બદલી તમામ 6 બારી હવે ખુલ્લી મુકી દેવામાં આવી છે. અહેવાલ પ્રકાશિત થવાના એક દિવસમાં જ પરિસ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો છે. અગાઉ જ્યાં દર્દીઓને બે-બે કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું, ત્યાં હવે દવા વિતરણની કામગીરી ઝડપી બની છે. લાંબા સમયથી ઉભી અવ્યવસ્થા, સ્ટાફના ઉડાવ જવાબ અને ઉતાવળ હોય તો બહારથી દવા લઇ લ્યો જેવી વૃત્તિ સામે દર્દીઓમાં નારાજગી વધતી હતી. ઉપરથી દવાઓ પર જરૂરી માર્ગદર્શક લેબલ ન હોય, ક્યારે લેવાની અને કેવી રીતે લેવાની માહિતી ન મળતી હોવાના આક્ષેપો પણ ગંભીર હતા ત્યારે તંત્રના આ નિર્ણયથી દર્દીઓ અને તેમના સગાઓને દવા સરળતાથી મળી શકશે.
- Advertisement -



