અર્થામૃત: દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય ત્યારે ભગવાનનું સ્મરણ ન કરે. માણસ સુખી હોય ત્યારે જ ભગવાનનું સ્મરણ કરે તો દુ:ખ આવે જ નહીં.
- Advertisement -
કથામૃત: એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. લગભગ 10 માળ જેટલું કામ પૂરું થયું હતું. એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો. એ 10મા માળની છત પર આંટા મારી રહ્યો હતો. ત્યાંથી નીચે જોયું તો એક મજૂર કામ કરી રહ્યો હતો. માલિકને મજૂર સાથે વાત કરવાની ઇચ્છા થઈ. માલિકે ઉપરથી મજૂરને બૂમ પાડી પણ મજૂર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજૂરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10 રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજૂર કામ કરતો હતો ત્યાં જ પડ્યો. મજૂરે તો સિક્કો ઉઠાવીને ખિસ્સામાં મૂકયો અને કામે વળગી ગયો.
માલિકે હવે 100ની નોટ નીચે ફેંકી. નોટ ઊડતી ઊડતી પેલા મજૂરથી થોડે દૂર પડી. મજૂરની નજરમાં આ નોટ આવી એટલે લઈને ફરીથી ખિસ્સામાં મૂકી દીધી અને કામ કરવા લાગ્યો. માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજૂરે એમ જ કર્યું, જે અગાઉ બે વખત કર્યું હતું. માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજૂર પર માર્યો. પથ્થર વાગ્યો એટલે મજૂરે ઉપર જોયું અને પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી..
બોધામૃત:
- Advertisement -
આપણે પણ આ મજૂર જેવા જ છીએ. ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે. એ આપણને સાદ પાડીને બોલાવે છે; પણ આપણે કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરૂ કરે છે, પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મૂકી દઈએ છીએ. ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ:ખરૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે, અને તુરંત જ ઉપર ઊભેલા માલિક સામે જોઈએ છીએ.