ખાસ ખબર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ
એમ્બ્યુલન્સનો સારવાર માટે નહીં પરંતુ દારૂની મહેફિલ માટે ઉપયોગ
- Advertisement -
દારૂબંધીના કાયદા અને હૉસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલનું કમ્પાઉન્ડ રાત્રિના સમયે દારૂની મહેફિલનું સ્થળ બનતું હોવાની આશંકા સર્જતાં દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડ તેમજ લાંબા સમયથી પાર્ક કરાયેલી ખખડધજ બનેલી એમ્બ્યુલન્સમાંથી 9 જેટલી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. દારૂબંધીના કાયદા અને હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. 10 નવેમ્બરના રોજ ખાસ ખબર ન્યૂઝ દ્વારા ખખડધજ હાલતમાં એમ્બ્યુલન્સ પડી હોવાનો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં એમ્બ્યુલન્સ ન મળતા ખાનગી વાહનનો સહારો લેવો પડે છે ત્યારે કેમ્પસમાં પડેલી કંડમ એમ્બ્યુલન્સ અસામાજીક તત્વોના અડ્ડો બની ગયો છે. સિવિલ હોસ્પિટલનાં જૂના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 3 જેટલી ખખડધજ એમ્બ્યુલન્સ છે. જેમાં બે એમ્બ્યુલન્સ બહાર 3 બોટલ અને 1 એમ્બ્યુલન્સની અંદર 2 બોટલ દારૂની મળી આવી છે. આમ સૌપ્રથમ દારૂની 3 ખાલી બોટલો મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા, લાંબા સમયથી નિષ્ક્રિય અને ખખડધજ હાલતમાં પાર્ક કરાયેલી એક એમ્બ્યુલન્સમાં દારૂની વધુ 2 ખાલી બોટલો મળી આવી હતી. આ એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની પાર્ટી માણનારાઓ દ્વારા ’સ્ટોરેજ’ તરીકે કરતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ અને સિગરેટના ટુકડા પણ મળી આવ્યા હતા, જેથી સ્પષ્ટ થાય છે કે આ સ્થળનો ઉપયોગ નિયમિતપણે દારૂ પીવા માટે થતો હશે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની ઘટનાથી લોકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ સિક્યુરિટી ગાર્ડ આવતા ન હોવાથી અસામાજિક તત્વો તેનો લાભ લઇ રહ્યા છે. આ નિવેદન હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થાની પોકળતા દર્શાવે છે, જ્યારે એક તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂ.નો ખર્ચ કરવામાં આવે છે. જોકે, આ ખર્ચ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવવી એ સુરક્ષામાં રહેલી મોટી ખામી તરફ ઈશારો કરે છે.



