3.78 લાખનો દારૂ, બિયર મળ્યો: 6.28 લાખનો મુદામાલ કબજે
ખાસ ખબરસંવાદદાતા
બાંટવા નજીકથી એક મેટાડોરમાં માંડવીની ફોતરીની આડમાં દારૂ અને બિયરનાં જથ્થાની હેરાફેરીનો પોલીસને પર્દાફાશ કર્યો છે. પોલીસને રૂપિયા 3.78 લાખનો દારૂ અને બિયર મળી કુલ રૂપિયા 6.28 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ તરફથી એક મેટાડોર દારૂ ભરીને બાંટવા બાયપાસ રોડ પરથી પસાર થવાનું હોવાની બાતમી પોલીસને મળી હતી.
બાતમીનાં આધારે બાંટવા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ વી.આર. ચાવડા અને ટીમે બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. અહીંથી જીજે 32 ટી 1764 નંબરનું મેટાડોર નીકળતા પોલીસને તેને રોકાવ્યું હતું. ત્યારે મેટાડોરનો ચાલક અબઝલ મકરાણી મેટાડોર ઉભું રાખી નાસી ગયો હતો.પોલીસે મેટાડોરની તપાસ કરતા મગફળીની ફોતરીનાં કોથળા નીચે છુપાવેલો 1500 બોટલથી વધુ દારૂ અને 384 ટીન બિયર કિંમત રૂપિયા 3.78 લાખનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂ, બિયર અને મેટાડોર મળી કુલ રૂપિયા 6.28 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
બાદ પોલીસે જૂનાગઢનાં ચાલક અબઝલ હબીબ મકરાણીને પકડી પુછપરછ કરતા આ દારૂ નરબત ઉર્ફે નબો અને દેવા મેરે ભરી કુતિયાણા સુધી લઇ જવાની કબુલાત આપી હતી.
બાંટવા નજીકથી મગફળીની ફોતરીની આડમાં લઇ જવાતો દારૂ પકડાયો



