દારૂ છૂટછાટને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન: ઉદ્યોગોને આગળ લઈ જવા માટે દારૂની છૂટછાટ અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે દારૂમાં છૂટને લઇને જણાવ્યું કે, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટ અંગે વિચાર કરાઇ રહ્યો છે. ઉદ્યોગો અને પ્રવાસનના મહત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઇ શકે છે. મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે. લિકર પરમીટની છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.
- Advertisement -
ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ, કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી પરવાના મેળવી શકશે
ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.3 પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.