ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના અજીતગઢ ગામે અગરીયા હિત રક્ષક મંચ અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી દ્વારા અગરીયાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં અગરીયાઓ માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હળવદ તાલુકાના અજીતગઢ ગામે આવેલા રામદેવજી મંદિર ખાતે ગત તારીખ 29 ના રોજ અગરિયા હિત રક્ષક સમિતિ અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી દ્વારા અગરિયાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી તેમજ જે તે વિભાગો દ્વારા અગરીયાઓને આપવામાં આવતી સુવિધાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે સાથે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અગરિયા હિત રક્ષક મંચ દ્વારા આગામી મીઠાની સિઝનમાં અગરિયાઓને જરૂરી સુવિધાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી, અગરિયા હિત રક્ષક મંચના પ્રમુખ હરીનેશભાઈ અગરિયા તેમજ અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહીત 250 થી 300 અગરીયાઓ હાજર રહ્યા હતા.