વતનથી સસ્તામાં હથિયાર લાવી વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં હથિયારોની ફેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે કોઠારિયા રિંગ રોડ પર સાંઇબાબા સર્કલ પાસેથી આજીડેમ પોલીસે યુપીના શખ્સને દેશી તમંચો અને બે કાર્ટિસ સાથે ઝડપી લઇ તેની પૂછપરછ કરતાં આ હથિયાર તેના વતનમાંથી વેંચવા માટે લઇ આવ્યો હોવાનું રટણ કરતાં પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રાજકોટના કોઠારિયા રિંગ રોડ તરફ સાંઇબાબા સર્કલ નજીક શખ્સ હથિયાર સાથે આવ્યો હોવાની માહિતીના આધારે પીએસઆઇ જે.જી. ઝાલા, હારૂનભાઇ, સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સની પૂછપરછ કરતાં તે મૂળ યુપીનો અને હાલ ગુલાબનગર પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં કામ કરતા અને ત્યાંજ રહેતો રાજનકુમાર સદાનંદ ગૌતમ હોવાનું જણાવતાં પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટિસ મળી આવતાં તેની ધરપકડ કરી હથિયાર અને કાર્ટિસ મળી કુલ રૂપિયા 5200ની મતા કબજે કરી હતી પોલીસની પૂછપરછમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતો અને મજૂરી કામ કરતો હોવાનું અને થોડા દિવસ પહેલા તેના વતન ગયો હતો અને રવિવારે રાત્રીના રાજકોટ આવતો હતો. ત્યારે વહેંચવા માટે હથિયાર અને કાર્ટિસ લાવ્યો હોવાનું જણાવ્યું હતું જો કે હથિયાર વેચવા નીકળતા જ પોલીસે દબોચી લીધો હતો વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.



