અત્યાર સુધીમાં સૌની યોજનાનું 350 એમસીએફટી પાણી ડેમમાં ઠલવાઈ જતા જળાશયની સપાટી 23.50 ફૂટે પહોંચી ગઈ: હજુ 750 એમસીએફટી નર્મદા નીર ઠલવાશે
રાજકોટની જીવાદોરી સમાન અને નગરજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમમા વારંવાર પીવાનુ પાણી છોડવામા આવે છે ત્યારે ફરી છેલ્લા કેટલાક દિવસોથી આજી-1માં સૌની યોજનાની ખાસ પાઈપલાઈન મારફતે નર્મદા નીર છોડવામા આવી રહ્યા છે ત્યારે રાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ આવતા માર્ચ માસ સુધીમાં આજી-1 ડેમ નર્મદા નીરથી પૂરતો ભરી દેવાનુ આયોજન છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પખવાડીયા કરતા વધુ સમયથી સરકારની સુચના અનુસાર સિંચાઈ વિભાગ દ્વારા આજી-1 ડેમ કે જેની 29 ફૂટની સપાટી છે.
- Advertisement -
તેમા નર્મદા નીર છોડવામાં આવી રહ્યા છે. રાજકોટના લોકોને આવતા ચોમાસા સુધી પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે મહાપાલિકા દ્વારા સરકાર પાસે સૌની યોજના અંતર્ગત એક હજાર એમસીએફટી પાણી આજી ડેમમાં આપવા માંગણી કરી હતી. આ માંગ અનુસંધાને રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા પખવાડીયા કરતા વધુ સમયથી આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાઈ રહ્યા છે.
વધુમાં સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ આજ સુધીમાં આજી ડેમમા સૌની યોજનાનુ 350 એમસીએફટી પાણી છોડી દેવાયુ છે અને ડેમ હાલ 63 ટકા ભરાઈ ગયો છે તથા ડેમની સપાટી 23.50 ફૂટ સુધી પહોંચી ગઈ છે. આમ, હવે આજી ડેમ પૂરતો ભરાવા આડે સાડા ત્રણ ફૂટનુ છેટુ રહ્યુ છે અને હજુ પણ પાણી છોડવાનુ ચાલુ છે ત્યારે રાજકોટ સિંચાઈ વિભાગે માર્ચની આવતી 15મી સુધીમાં ડેમ પૂરતો ભરી દેવાનુ આયોજન કર્યું છે. આથી ટૂંકમા રાજકોટવાસીઓને ચોમાસા સુધી તો પાણીની સમસ્યા રહેશે નહી તે નકકી છે.