બ્લેક ટ્રેપ ભરેલા ત્રણ ડમ્પર સહિત કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
હિન્દી ભાષામાં એક કહેવત છે “દેર આયે દુરસ્ત આયે” આ કહેવત મહદ અંશે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને લાગુ પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસા, સફેદ માટી, રેતી તથા પથ્થર સહિતના ખનીજની ચોરી દિનદહાડે નજરે પડે છે ત્યારે આ ખનિજ ભરેલા વાહનો પણ ખુલ્લેઆમ તંત્રના નાક નીચે ચાલે છે. તેવામાં સુરેન્દ્રનગર ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર દ્વારા સાયલા પંથકના વિસ્તારોમાં અચાનક ગઈકાલે બપોરના સમયે તપાસ હાથ ધરી હતી અને બ્લેક ટ્રેપ ભરેલા ત્રણ ડમ્ફરને જપ્ત કર્યા હતા. ખનિજ વિભાગ દ્વારા કુલ 30 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હોવાનું સામે આવ્યું હતું. જોકે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસા અને સફેદ માટીના ખનન તથા હેરફેરનું એક પણ વાહન ખનિજ વિભાગને નજરે પડ્યું નહીં માત્ર બ્લેક ટ્રેપના ત્રણ વાહનો ઝડપી લઇ પોતાની કામગીરી દર્શાવી છે.