અલ્પેશ વાડોલીયા
રાજકોટને એક દશકામાં અનેક સુવિધા મળી
- Advertisement -
રાજકોટ એટલે રંગીલું શહેર. આઝાદી પછી એક સમયે રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું. આજે ગુજરાત રાજ્યનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. વ્યાપાર-ઉદ્યોગ-રાજકીય-સેવાકીય-ઈનોવેશનના ક્ષેત્રે અગ્રેસર છે. દેશના સ્માર્ટ સિટીમાં રાજકોટનો સમાવેશ થયો છે. દેશની આઝાદીની ચળવળથી માંડીને ઔદ્યોગિક, આર્થિક અને સર્વાંગી વિકાસમાં રાજકોટનું મહત્વપૂર્ણ યોગદાન છે. રાજકોટને છેલ્લા એક દશકામાં અનેક સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. જેમાં એઇમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ રાજકોટને નવી જ ઓળખ આપી છે. તેમજ રાજકોટમાં ગુજરાતની પહેલી સાયબર સેન્ટીનલ લેબનું નિર્માણ કરાયુ છે. આ લેબની મદદથી સાયબર માફિયાઓ સુધી પહોંચવામાં ખુબ જ મદદ મળી રહી છે. તેમજ બાળકોને વિદ્યાર્થીકાળથી જ વિજ્ઞાનમાં રૂચી રહે તે માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યુ છે. જે માત્ર રાજ્યના ચાર શહેરમાં જ છે. જેમાં રાજકોટ, ભાવનગર, પાટણ અને ભુજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખંઢેરી ગામ પાસે વિશ્વકક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટની શાનમાં વધારો કરી રહ્યુ છે. આજે સમગ્ર દેશમાં સ્માર્ટ સિટી વિકસાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટના સ્માર્ટ સિટી વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્કની થીમ પર અટલ સરોવર નિર્માણ કરવામાં આવ્યુ છે. આમ આવી અનેક સુવિધાથી રાજકોટ ખરા અર્થમાં રંગીલા શહેર તરીકેની ઓળખ ધરાવે છે.
1400 કરોડના ખર્ચે રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટનું નિર્માણ
રાજકોટના હિરાસર ગામે 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. ગ્રીનફિલ્ડ એટલે એવી જગ્યા કે જ્યાં કોઇપણ બાંધકામ ન હોય અને પાયાથી શરૂઆત કરવી પડે. મોટાભાગના એરપોર્ટમાં એવુ બને છે કે ત્યાં ડોમેસ્ટિક એરપોર્ટ પહેલાથી જ કાર્યરત હોય અને પછી તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા વધારાનું બાંધકામ કરાય છે. અમદાવાદમાં પણ એરપોર્ટનું અપગ્રેડશન જ થયું છે તેથી રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે રાજકોટનું હિરાસર એરપોર્ટ સ્થાન ધરાવે છે.
1200 કરોડના ખર્ચે 200 એકરમાં ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ
સર્વે સન્તુ નિરોગ્ય : આ રાજકોટ એઇમ્સના લોગોનું સૂત્ર છે. 31 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 25 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટ એઇમ્સનું લોકાપર્ણ કર્યું હતું. ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે. દર્દી માટે ખાસ રાજકોટ એઇમ્સ દ્વારા મોબાઈલ એપ્લિકેશન પણ રાખવામાં આવી છે, જેનું નામ એઇમ્સ રાજકોટ સ્વાસ્થ્ય એપ્લિકેશન છે જે એન્ડ્રોઇડ અને આઈફોન બન્ને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન મારફત દર્દી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત આ એપ્લિકેશનમાંથી એઇમ્સ રાજકોટની સુવિધા તેમજ ડોક્ટર તેમજ મેનેજમેન્ટ વિશે માહિતી મેળવી શકશે. આ એપ્લિકેશનમાં દર્દી લેબ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન, લેબ ઈન્ક્વાયરી, અને ઘઙઉ ઇન્ક્વાયરી સહિત માહિતી મેળવી શકશે.
- Advertisement -
85 કરોડના ખર્ચે 10 એકરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર
5 કરોડના ખર્ચે ગુજરાતની પહેલી સાયબર સેન્ટિનલ લેબ
રાજકોટમાં રાજ્યની પ્રથમ સાયબર લેબ
છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ડર ન હોય તેવુ લાગી રહ્યું છે. લોકોને સાયબર ક્રાઈમનો શિકાર બનાવવા માટે સાયબર માફિયાઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ બનાવી રહ્યાં છે. ત્યારે આ સાયબર માફિયાઓ સુધી પહોંચવા માટે રાજકોટમાં 5 કરોડના ખર્ચે ગુજરાતની પહેલી સાયબર સેન્ટીનલ લેબ તૈયાર કરવામાં આવી છે. જેની મદદથી ગુનેગારોને શોધવામાં મદદ મળશે. આ લેબ બનાવવા માટે 4 કરોડ 26 લાખ 4 હજાર રૂપિયાનું ડોનેશન ભેગુ કરવામાં આવ્યું હતું અને આ ડોનેશનમાંથી આ લેબ બનાવવામાં આવી છે. આ લેબમાં સવા કરોડની કિંમતના 8 સોફ્ટવેર ખરીદવામાં આવ્યાં છે. આ સોફ્ટવેરનો ઉપયોગ હાર્ડ ડિસ્કમાંથી ડેટા રિકવર કરાશે, મોબાઈલ ફોરેન્સિક અને સોશિયલ ડેટા મેળવવવા માટે ઉપયોગ કરવામાં આવશે. આ સોફ્ટવેરની મદદથી કોઈપણ ડિવાઈસનો ડેટા મેળવી શકાશે. આ 8 સોફ્ટવેર સિવાય પણ બીજા ઘણા સોફ્ટવેર ખરીદવામાં આવ્યાં છે. જેના થકી સાયબર ક્રાઇમને લગતુ રીસર્ચ અને ડેવલોપમેન્ટ, સાયબર ક્રાઈમના ગુના વિશે માહિતી મેળવી શકાશે. આ લેબમાં સ્માર્ટ રેક સર્વર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી લેબની સિસ્ટમ હેક થવાની કે પછી વાયરસની શક્યતા ન રહે. આ લેબની વિશેષતાની વાત કરીએ તો આ લેબમાં ટેબ્લો પોર્ટેબલ ઇમેજર કીટ વસાવવામાં આવી છે. જેનું કામ ડેટા ક્લિનિંગ, હાઈસ્પીડ ડેટા ટ્રાન્સફર, ડેટા ઈન્ટિગ્રિટી અને હેશિંગ, મલ્ટિ-ઈન્ટરફેસસપોર્ટ અને લાઈવનું છે. આમ આ લેબની મદદથી સાયબર માફિયાઓ સુધી પહોંચવામાં ખુબ જ મદદ મળશે.
રિજિયોનલ સાયન્સ સેન્ટર : અત્યારે અને ભવિષયમાં રોબોટ્સનો ઉપયોગ કઇ રીતે થશે તેની ઝલક જોવા મળે છે
ઈશ્વરીયા પાર્ક પાસે રૂ. 85 કરોડના ખર્ચે 10 એકરમાં રિજીયોનલ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. રાજકોટના રિજિયોનલ સાયન્સ સેન્ટરનો દેખાવ પિરામિડની સન્મુખાકૃતિ જેવો છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા રાજકોટ, ભાવનગર, પાટણ અને ભુજ ખાતે અદ્યતન રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ વિકસાવ્યા છે. સમગ્ર દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર-પ્રસાર માટે પ્રાદેશિક કેન્દ્રો છે જ્યારે ગુજરાતમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ વિકસાવાયા છે. હાલમાં ચારેય રીજીયોનલ સાયન્સ સેન્ટર્સનો લાખો વિદ્યાર્થીઓ લાભ મેળવી ચૂક્યા છે. રાજકોટ એ ઇજનેરી ક્ષમતા અને ઉદ્યોગસાહસિકતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ બાબતોને ધ્યાને લઈને સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરવા તથા વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવા અને તેને જાળવવા, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સમાજ વચ્ચે આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવાના આશયથી રિજીયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રાજકોટના માધાપર ગામ ખાતે ઈશ્વરીયા પાર્કની બાજુમાં આશરે 10 એકર વિસ્તારમાં રિજીયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રની છ અદભૂત ગેલેરીઓ વિદ્યાર્થીઓને પ્રાચીનથી માંડીને આધુનિક યુગ સુધીની યાત્રા કરાવે છે. આ વિજ્ઞાન કેન્દ્રમાં વિવિધ જીવોની ઉત્પત્તિથી લઇને અત્યાર અને ભવિષ્યમાં રોબોટ્સનો ઉપયોગ કઇ રીતે થશે તેની ઝલક વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રેમીઓ મેળવી રહ્યા છે. સેન્ટરમાં ગેલેરીઓ ઉપરાંત સાત થીમેટીક કોર્ટયાર્ડસ, મ્યુઝીકલ ફાઉન્ટેન, મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગાર્ડન, વોક વે ગાર્ડન જેવા આકર્ષણો છે.
136 કરોડના ખર્ચે 93,000 સ્કેવર મીટરમાં અટલ સરોવર
રાજકોટ રૈયા સ્માર્ટ સિટીમાં 136 કરોડના ખર્ચે 93,000 સ્કેવર મીટરમાં અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યુ છે. અટલ સરોવર એમ્યુઝમેન્ટ પાર્કની થીમ પર તૈયાર કરાયો હોવાથી બાળકો માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ છે. જેમાં ટોય ટ્રેન, ચિલ્ડ્રન પાર્ક, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને એમ્ફીથિએટર સહિતના આકર્ષણો રાજકોટને વધુ રંગીલું બનાવે છે. એજન્સી દ્વારા 15 વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી છે. ગુજરાતનો સૌથી ઊંચો ફ્લેગ પોલ પણ અહીં બનાવવામાં આવ્યો છે. 7 માર્ચ 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ જેના બે મહિના બાદ 1 મેના ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. અટલ સરોવરમાં કુલ 20 ટીકીટ બારી રાખવામાં આવી છે જેથી મુલાકાતીઓને કોઇ સમસ્યા ન રહે તેમજ ચછ કોડ સ્કેન કરી ટીકીટ મેળવી શકાય તેવી પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ખાસ શનિવાર અને રવિવારના દિવસે વધારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં અનેક કાર્યક્રમના પણ આયોજન કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ગરબા અને લાઇવ કોન્સર્ટ જેવા કાર્યક્રમો યોજાઇ ગયા છે.
72 કરોડના ખર્ચે 29.48 એકરમાં નિરંજન શાહ સ્ટેડિયમનું નિર્માણ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 25,000 સીટીંગ કેપેસિટી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટલિટી, પ્રેસિડન્ડ બોક્સ અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2013માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને ત્યારથી અવિરતપણે ખંઢેરી સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મેચ યોજાઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવવામાં આવેલ મીડિયા બોક્સ એ લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ આબેહૂબ કોપી બનાવવામાં આવી છે. મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેનટ્રેટર પણ આ અંડકાર પેવેલિયન બોક્સમાં બેસતા હોય છે. સંપૂર્ણ સ્ટેડિયમ રુફથી કવર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ જ સાથે આ સ્ટેડિયમ એ રાજ્યનું એવું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ છે કે જે સૌરઉર્જાથી પણ ચાલે છે. હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદે નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સ્થાપનાના 50 વર્ષ પણ પૂર્ણ થયા છે. ત્યારે ખંડેરી સ્ટેડિયમને નિરંજન શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. 13 ફેબ્રુઆરી 2024ના રોજ આ સ્ટેડિયમનું નિરંજન શાહ નામકરણ તત્કાલીન બીસીસીઆઇના સેક્રટરી જય શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. નિરંજન શાહ દ્વારા છેલ્લા પાંચ દાયકાઓ સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પદે સેવા આપી ચૂક્યા છે. નિરંજન શાહ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈમાં પણ સેક્રેટરી પદે બે વખત રહી ચૂક્યા છે. એવામાં તેમના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાંથી અનેક સ્ટાર ક્રિકેટ ખેલાડીઓ બહાર નીકળ્યા છે અને હાલ આ યાત્રા અવિરતપણે શરૂ છે.