અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તારમાં રહેતી એક મહિલાને ઘરે બેઠા પાર્ટટાઇમ કામ કરીને દરરોજના દસ હજાર રૂપિયા કમાવાની લાલચ આપી સાયબર ઠગોએ છેતરપિંડી આચરી છે.
મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર મિશો એપના નામે આવેલી જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતા વિદેશી નંબર પરથી વોટ્સએપ ખુલ્યું, જ્યાં સામેથી મિશો કંપનીના એચઆર હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લેવામાં આવી હતી.
- Advertisement -
સાયબર ગઠિયાઓએ મહિલાને ટેલિગ્રામ પર અલગ અલગ ટાસ્ક પૂરા કરવા કહ્યું હતું. શરૂઆતમાં નાના ટાસ્ક કરાવી કમિશન આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપી મિશો એપ પર રિચાર્જ કરવા અને વિવિધ યુપીઆઈ આઈડી પર રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. આ રીતે મહિલાએ ધીમે ધીમે કુલ 72 હજારથી વધુ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
થોડા સમય બાદ અચાનક કમિશન મળવાનું બંધ થઈ ગયું અને રિચાર્જ કરેલા રૂપિયા પણ પરત ન મળતા મહિલાને છેતરપિંડી થયાનું સમજાયું. અનેક વખત સંપર્ક કરવા છતાં સાયબર ઠગોએ જવાબ ન આપતા મહિલાએ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સાયબર ગઠિયાઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે




