બિનવારસી કબજે કરાયેલા વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા આવ્યું નથી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલા વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. અમદાવાદ શહેરના પોલીસ વડા પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવી છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર સેક્ટર 02 નાં સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડ, ઝોન 06 નાં નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની તથા જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જે ડિવિઝન વિસ્તારના મણિનગર પોલીસ સ્ટેશન અને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતેના કુલ 71 વાહનો (મોટર સાયકલ, ઓટો રિક્ષા) બાબતે મણિનગર પીઆઈ ડી .પી.ઉનડકટ તથા ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા દ્વારા વાહન માલિકોનો સંપર્ક કરતા, વાહન માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોય, તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી, મણિનગર પોલીસ સ્ટેશન અને ઈસનપુર પોલીસ સ્ટેશનના વાહનોની તા. 16.04.2025 ના રોજ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુલ 71 વાહનોની હરરાજી હોઈ, રસ ધરાવતા વેપારીઓએ તા. 16.04.2025 નાં રોજ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે રૂ. 50,000/- ડિપોઝીટ પેટે જમા કરાવવાના રહેશે અને હરરાજી જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે તા. 16.04.2025 ના રોજ કલાક 09.00 વાગ્યે રાખવામાં આવી હોઈ, સવારના કલાક 08.00 વાગ્યે પહોંચવાનું રહેશે.
જેથી, અમદાવાદ શહેર જે ડિવિઝનના મણિનગર અને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલા કુલ 71 વાહનોની હરરાજી મા રસ ધરાવતા લોકોએ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા (ખ:- 99095 75999) તથા મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ (ખ :- 90990 27113)ખાતે સંપર્ક કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.