3 કેસમાં તો વાહન ચલાવતા સગીર જ મૃત્યુ પામ્યા હતા: વાહન આપનારા માતા-પિતા સામે પોલીસે ગુના નોંધ્યા
ખાસ-ખબર ન્યૂઝ, તા.7
શહેરમાં સગીરો દ્વારા વાહન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં સગીર વાહનચાલકે 31 અકસ્માત કર્યા છે, જેમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવતા 25 અકસ્માત કર્યા હતા. જો કે, 3 સગીર વાહનચાલકના મોત થયા હતા તેમજ એક કિસ્સામાં સગીરે બેફામ કાર ચલાવી સગીરાને ટક્કર મારતાં તેનું મોત થયું હતું. જ્યારે 34 લોકોને ઈજા થઈ હતી. 31 અકસ્માતમાં પોલીસે સગીરને વાહન આપનારા માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો. કેટલાક કિસ્સામાં તો માતા-પિતા બાળકને સ્કૂલે જવા, કે કોઈ માટે વાહન આપતા હોય છે. કેટલાક સગીર માતા-પિતાની જાણ બહાર વાહન લઈને જતા રહે છે.
- Advertisement -
ટ્રાફિક પોલીસે આ તમામ અકસ્માતમાં સગીર સંતાનને વાહન આપનાર મા-બાપ સામે આઈપીસી કલમ 199(એ) મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં 3 વર્ષની સજા તથા 25 હજારના દંડની જોગવાઈ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
દોઢ વર્ષમાં ઓવરસ્પીડિંગના 91 હજારથી વધુ કેસ
શહેરમાં 3 ત્રણ વર્ષમાં 3899 અકસ્માતમાં 1277ના મોત થયા હતાં. જેમાંથી 70 ટકા અકસ્માત એટલે કે 2730 અકસ્માત ઓવરસ્પીડિંગના કારણે થયા હતા. છેલ્લા દોઢ વર્ષમાં ટ્રાફિક પોલીસે ઓવરસ્પીડિંગના 91 હજાર કેસ કરી 18.58 કરોડ દંડ ફટકાર્યો હતો.
થલતેજમાં સગીરે 16 વર્ષની છોકરીને ઉડાવી
હેબતપુરમાં 17 વર્ષીય સગીરના પિતા અને મોટાભાઈ કામથી બહાર ગામ ગયા હતા, તે સમયે સગીર કાર લઈને બે સગીર મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. થલતેજ સાંદીપની સોસાયટી પાસે ઓવરસ્પીડમાં કાર ચલાવી 16 વર્ષીય સગીરાને ટક્કર મારતાં ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેનું બે દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે સગીરની અટકાયત કરી હતી. જો કે કાર સગીરના મોટાભાઈના નામે હોવાથી તેની તથા તેના પિતાની પણ ધરપકડ કરી હતી. દીકરો સગીર હોવા છતાં તેના ગોવિંદ ભરવાડે તેને કાર ચાલવવા આપી હતી.
બાઈકની ટક્કરથી એક વૃદ્ધને ગંભીર ઈજા
વટવાના 19 વર્ષના નીતેશે 17 વર્ષીય મિત્રને બાઇક ચલાવવા માટે આપ્યું હતું. સગીર બાઈક લઈ રામોલથી હાથીજણ જતો હતો, તે વખતે તેણે સાઈકલ સવાર વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા. પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે સગીર બાઈક ચલાવતો હોવાનું તથા તે બાઈક તેના મિત્ર નિતેષે આપ્યું હોવાથી તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ટુ-વ્હીલર પર સ્કૂલે જતાં વાહન સ્લિપ, એક મોત
કુબેરનગરમાં રહેતી 16 વર્ષીય સગીરા તેની સોસાયટીમાં રહેતા 16 વર્ષીય સગીર સાથે એક્ટિવા પર સ્કૂલે જતી હતી, તે દરમિયાન ભાગ્યોદય સોસાયટી પાસે ત્રણ રસ્તા પર એક્ટિવા સ્લીપ થઈ જતાં સગીર અને સગીરાને ગંભીર ઈજાઓ થતા બંનેને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં સગીરનું મોત થયું હતું, સગીરાની હાલત ગંભીર હતી. આ અંગે ટ્રાફિક પોલીસે સગીરાને એક્ટિવા આપનાર તેના પિતા સામે ગુનો નોંધ્યો હતો.
ચંદ્રનગરમાં ત્રણ સવારીએ જઈ અકસ્માત કર્યો
ચંદ્રનગર પાસે બીઆરટીએસ કોરિડોરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લઈ 3 સગીર પૂરપાટ ઝડપે જતા હતા. બીઆરટીએસ બસે ટક્કર મારતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા 17 અને 15 વર્ષીય સગીર ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ તપાસમાં 14 વર્ષીય સગીરના માતા-પિતાએ તેને ટ્યૂશન જવા ઈલેક્ટ્રિક ટુવ્હીલર આપ્યું હોવાનું જણાતા પોલીસે માતા-પિતા બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.