આરોપીઓ પાસે 23 એટીએમ કાર્ડ મળી આવ્યા
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા રહે. વિશાલનગર, ઈસનપુર, અમદાવાદ ગોવિંદવાડી ખાતે આવેલ એક્સિસ બેન્કના એટીએમ માં રૂપિયા ઉપાડવા ગયેલ તે વખતે અજાણ્યા આરોપીએ એટીએમમાં ખરાબી હોવાનું જણાવી, મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી, પોતાનું એટીએમ કાર્ડ લઈ, તેની જગ્યા કોઈ ઘાટલોડિયા ના શખ્સ નું એટીએમ કાર્ડ આપી, એટીએમ કાર્ડ બદલાવી, તે દિવસે અને બીજા દિવસે જુદા જુદા એટીએમ ખાતે જઈ, કુલ રૂ. 80,000/- ઉપાડી લઈ, ગુન્હો આચરવામાં આવતા, ફરિયાદી રાજેશકુમાર અંબાલાલ કાછિયા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં ઈસનપુર પીઆઈ બી.એસ. જાડેજા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલા સીસીટીવી આધારે તથા બાતમીદારથી મળેલ માહિતી આધારે આરોપીઓ (1) નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી ઉવ. 55 રહે. માખણજ ગામ તા. જોટાણા જી. મહેસાણા તથા (2) શૈલેષભાઈ કનુભાઈ સલાટ ઉવ. 37 રહે. સૂરજ તા. જોટાણા જી. મહેસાણાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરી કરેલ મુદામાલ રોકડ રૂ. 80,000/- કબ્જે કરવા તજવીજ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પાસેથી બીજી અલગ અલગ બેંકના કુલ 23 એ.ટી.એમ. કાર્ડ પણ મળી આવેલ છે, જેથી એ.ટી.એમ. કાર્ડ આધારે કાર્ડ કોના છે અને ક્યાંથી લાવેલ છે ? જે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે આ ગુન્હામાં આશરે 150 જગ્યાએ 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી, ક્યાં ક્યાં એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા, ત્યાંથી ક્યાં ક્યાં ગયા, ક્યાં ક્યાં રોકાયા, કઈ કઈ દુકાને ગયા..? વિગેરે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી, આજુબાજુના માણસોને પૂછપરછ કરી, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારે બાતમી મેળવી, આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.