સંઘનું શતાબ્દી વર્ષ: દરેક વસ્તીમાંથી સ્વયંસેવકોની ઉપસ્થિતિનો લક્ષ્યાંક
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવિસ્તાર કુંભ અંતર્ગ તા. 7 મી જાન્યુઆરી રવિવાર સવારે 9:00થી શરૂ કરીને સાંજે 5:00 સુધી ચાલશે . રાજકોટમાં સ્વયંસેવકોનું વિશાળ એકત્રિકરણ થશે. જેમાં રાજકોટ મહાનગરમાંથી આબાલવૃદ્ધ, નવા તથા જૂના મળીને દરેક વસ્તી માંથી સ્વયંસેવકોની ઉપસ્થિતિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના આયોજન માટે સંઘના સ્વયંસેવકો દ્વારા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સન 1925માં શરૂ થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 2025માં 100 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે, સંઘનું કાર્ય સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે, સંઘના સ્વયંસેવકોએ કમર કસી છે. જે નિમિત્તે હાલ વિવિધ શહેરો, મહાનગરોમાં કાર્યવિસ્તાર કુંભ અંતર્ગત સ્વયંસેવકોનું એકત્રિકરણ થઈ રહ્યું છે.
રાજકોટમાં આગામી 7, જાન્યુઆરી રવિવાર એ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એકત્રિકરણ યોજાશે. આ કાર્યક્રમ સવારે 9:00 શરૂ થઈને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. જેમાં દરેક વસ્તીમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહેવાના છે.
કાર્ય વિસ્તાર કુંભમાં ગણવેશ નિશ્ર્ચિત છે. જેમાં સંઘનું પેન્ટ, સંઘની કાળી ટોપી અને સફેદ શર્ટ અનિવાર્ય છે. સંચલનને ધ્યાનમાં લઇ કોઈ પણ બુટ મોજા પહેરી આવી શકાશે સ્વયંસેવકો તથા સંઘમાં જોડાવા માંગતા બધા સ્વખર્ચે નિશ્ર્ચિત ગણવેશ કરાવી ગણવેશમાં ઉપસ્થિત રહેશે.
કાર્ય વિસ્તાર કુંભમાં સમગ્ર દિવસ દરમિયાન ચર્ચા નાના નાના જૂથમાં બેઠકો તેમજ સમૂહ ભોજન સંચલન જેવા આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સહ સરકાર્યવાહ ડો. મનમોહનજી વૈદ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
પ્રથમ વખત જ દસ વર્ષથી મોટા બાળકોને પણ કાર્ય વિસ્તાર કુંભમાં પ્રવેશ આપવામાં આવનાર છે. જેમના વિશેષ કાર્યક્રમનું આયોજન અલગથી રહેવાનું છે, જેમાં રમત, કરાટે, વાર્તા જેવા કાર્યક્રમો થશે.
વિવિધ કાર્યક્રમો બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન (પરેડ) રેસકોર્સ રિંગરોડ પર નીકળશે. જે રાજકોટ મહાનગરમાં પ્રથમ વખત ષડવ્યુહ રચનામાં થશે. સંઘનો ઘોષ( બેન્ડ )આ નિમિત્તે વિશેષ તૈયારી કરી છે
રાજકોટ મહાનગરમાં અત્યારે પાંચ જુદાજુદા વિસ્તાર (ઝોન) બનાવવામાં આવેલા છે. જેની અંતર્ગત નગર સ્તરના કુલ 35 એકમોની રચના કરાઈ છે. આ દરેક નગરમાં વસ્તી અને ઉપવસ્તી એકમની રચના થયેલી છે. સંઘની દ્રષ્ટિએ રાજકોટ મહાનગરમાં અત્યારે લગભગ 250 વસ્તી અને 900થી વધુ ઉપવસ્તીની રચના બનેલી છે. આ તમામ વસ્તી નું પ્રતિનિધિત્વ કાર્ય વિસ્તાર કુંભમાં થવાનું છે. જેમાં દરેક વસ્તીમાંથી સ્વયંસેવકો નિશ્ર્ચિત ગણવેશમાં ઉપસ્થિત રહે એ આયોજન હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે.
મહત્વનું છે કે, કાર્ય વિસ્તાર કુંભ માટે સ્વયંસેવકો છેલ્લા એક વર્ષથી જુદા જુદા પ્રયોગો અને કાર્યક્રમો દ્વારા, પોતાનું કામ વસ્તી અને ઉપવસ્તી એકમ ઉપર કરી રહ્યા છે. વર્ષની શરૂઆતમાં સંઘના રક્ષાબંધન ઉત્સવ અને હિન્દુ સામ્રાજ્ય દિન ઉત્સવ દરેક વસ્તીમાં ઉજવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંઘના બધા કાર્યકર્તાઓએ ત્રણ દિવસ વિસ્તારક તરીકે જઈને દરેક વસ્તીમાં વ્યાપક સંપર્ક કરેલો છે. જેનું પરિણામ કાર્ય વિસ્તાર કુંભમાં જોવા મળશે.
સંઘ સાથે જોડાવાની ઉત્તમ તક
સંઘમાં જોડાવા માટે સમાજની સજ્જન શક્તિની પૂછપરછને ધ્યાનમાં રાખીને આ કાર્ય વિસ્તાર કુંભમાં નવા લોકોને પણ સંઘ સાથે જોડાવાની તક અપાઈ છે. કોઈપણ વ્યક્તિ સંઘમાં જોડાવા ઇચ્છતા હોય તો એ આ કાર્ય વિસ્તાર કુંભમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન માટે ચિંતનભાઈ નડિયાપરા 81550 55075 તથા પ્રિયાંકભાઈ શાહ 94092 56632નો સંપર્ક કરી શકાય છે.
- Advertisement -
સંઘના ગણવેશ માટે જુદા-જુદા વિસ્તારના કાર્યાલયે ખાસ વ્યવસ્થા
કાર્ય વિસ્તાર કુંભને ધ્યાનમાં રાખીને ગણવેશ મળવા માટે વિશેષ વ્યવસ્થાઓ મધ્યસ્થ ભંડાર વ્યવસ્થા કાર્યાલય 19 મનહર પ્લોટ રાજકોટ (મનસુખભાઇ મારું 9879863363) ખાતે ગોઠવવામાં આવી છે ઉપરાંત રાજકોટના જુદા જુદા વિસ્તારમાં પણ ગણવેશ માટે ભંડાર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. કાર્ય વિસ્તાર કુંભ અંતર્ગત ગણવેશ પૂર્તિ ની વિશેષ વ્યવસ્થા કાર્ય વિસ્તાર કુંભ કાર્યાલય, રુમિ પ્લાઝા, રેસકોર્સ થી એરપોર્ટ ફાટક તરફ જતા, જઇઈં અઝખની બાજુમાં, સમય: બપોરે 3:30થી રાત્રે 8:30 સુધી, વર્ધમાન વિસ્તારની ગણવેશ પૂર્તતા માટે ભંડાર વ્યવસ્થા કિશોર સિંહજી સ્કૂલ કોઠારિયા નાકા પાસે દરરોજ રાત્રે 9 થી 11, ઉપરાંત રાજકોટના બધા વિસ્તારમાં અને નગરમાં પણ ગણવેશ પૂર્તિ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ચાલો સમાજને સંગઠિત વિરાટ હિન્દુ શક્તિના દર્શન કરાવીએ
આખા વર્ષથી તૈયારી કરી રહેલા સંઘના સ્વયંસેવકો આ કાર્ય વિસ્તાર કુંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરાટ હિંદુ શક્તિની ચેતનાને અનુભૂતિ કરવા તથા સમાજને સંગઠિત શક્તિનું દર્શન કરાવવા માટે ઉત્સાહિત છે. સમાજના અનેક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ સંઘના આ વિશેષ કાર્યક્રમમાં સહયોગ આપી પોતાના સંઘ પ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે.
સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવક સંચલન (રૂટ માર્ચ)ને નિહાળવા નિમંત્રણ
રાજકોટ મહાનગરની રાષ્ટ્રપ્રેમી જનતાને આ કાર્ય વિસ્તાર કુંભમાં સહભાગી થઈ સંઘ ને નજીકથી અનુભવવા તથા રેસકોર્સ રીંગરોડ પર તારીખ 7.1.2024, રવિવાર બપોરના 4.કલાકે સંચલન નિહાળવા પધારવા હાર્દિક નિમંત્રણ છે.



