• વોડાફોન-આઈડિયાના રૂ. 50,400 કરોડ અને એરટેલના રૂ. 26,000 કરોડ બાકી છે
  • બાકી નીકળતી રકમના 10% માર્ચ 2021 સુધીમાં જમા કરાવવા કહેવામાં આવ્યું

સુપ્રીમ કોર્ટે મંગળવારે ટેલિકોમ કંપનીઓને 10 વર્ષમાં તેમના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ની ચૂકવણી કરવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ અરૂણ મિશ્રાની આગેવાની હેઠળ એસ અબ્દુલ નઝીર અને એમ.આર. શાહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે ટેલિકોમ કંપનીઓને 31 માર્ચ, 2021 સુધીમાં 10% બાકી લેણાં ચૂકવવા આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે ચુકવણીની સમયમર્યાદા 20 વર્ષ કરવાની દરખાસ્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે દેશની ટેલિકોમ કંપનીઓના મેનેજીંગ ડિરેક્ટર્સને ચાર સપ્તાહની અંદર વ્યક્તિગત ગેરંટી આપવા આદેશ આપ્યો છે. જેથી કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવે અને ટેલકોસ સામેના અવમાનના કેસોને રદ કરવામાં આવે.

દર વર્ષે 7 ફેબ્રુઆરી સુધીમાં હપ્તો ચૂકવવાનો રહેશે


ટોચની કોર્ટે કહ્યું કે AGR બાકી ચૂકવણીની 10 વર્ષની ટાઈમ લાઈન 1 એપ્રિલ, 2021થી શરૂ થશે અને ચુકવણી 31 માર્ચ, 2031 સુધી હપ્તામાં કરવાની રહેશે. ટેલિકોમ કંપનીઓએ દરેક ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી સુધીમાં બાકી ચૂકવણી કરવાની રહેશે. વર્ષ અને લેણાંની ચુકવણી નહીં થાય તો અદાલતનો તિરસ્કાર થયો ગણવામાં આવશે.

વોડાફોન-આઈડિયા અને એરટેલ માટે સૌથી મોટી રાહત


સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ટેલિકોમ કંપનીઓ માટે ઘણા જ રાહતના સમાચાર છે. ખાસ કરીને વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ માટે કેમ કે આ બંને કંપનીઓના સૌથી વધુ ચુકવણી કરવાની બાકી છે. વોડાફોન-આઈડિયાના રૂ. 50,400 કરોડ અને એરટેલના રૂ. 26,000 કરોડ AGR બાકી છે. અત્યાર સુધીમાં વોડાફોન-આઈડિયાએ રૂ. 7,854 કરોડ, એરટેલે રૂ. 18,000 કરોડ અને રિલાયન્સ જિયોએ રૂ. 195 કરોડ ચૂકવ્યા છે.

કંપનીઓએ 15 વર્ષનો સમય માગ્યો હતો


સુપ્રીમ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન ટેલિકોમ કંપનીઓએ AGRની બાકી રકમની ચુકવણી માટે 15 વર્ષનો સમય માગ્યો હતો. જયારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે 20 વર્ષનો સમય આપવા માટે કહ્યું હતું. જોકે, આજે 1 સપ્ટેમ્બરે એપેક્સ કોર્ટે 10 વર્ષની અંદર બાકી પેમેન્ટ કરવા માટે આદેશ કર્યો હતો.