પિતાના મ્યુકરમાયકોસીસની સારવાર માટે હોસ્પિટલનું રૂપિયા અઢી લાખ જેવું બિલ ચૂકવવું પડ્યું હતું
કોરોનામા પિતાની છત્રછાયા ગુમાવનાર કિશોર પરિવાર, ઘર-દુકાનનું ભાડું અને કર્મચારીઓને સાચવવા 17 કલાક ખડે પગે મહેનત કરી રહ્યો છે
“ગીતામાં કૃષ્ણ ભગવાને બહુ જ મોટી વાત કહી છે તમે જો ધર્મ કરશો તો ઈશ્વર પાસે માંગવું પડશે પરંતુ તમે કર્મ કરશો તો ઈશ્વરને તમને આપવું પડશે” આવા સુવાક્યને લક્ષ્યમાં રાખી ગોંડલનો માત્ર 17 વર્ષનો કિશોર પાર્થ અમૃતભાઈ કારાણી ઘર ગુજરાન અને બે બહેનોના પરિવારની સારસંભાળ માટે કર્મના કામે લાગી ગયો છે.
- Advertisement -
ગોંડલના જેલ ચોક ખાતે પટેલ મસાલા ઢોસાની રેંકડી ચલાવતા મૂળ જૂનાગઢના અને છેલ્લા એક વર્ષથી ગોંડલ સ્થાયી થયેલા અમૃતભાઈ ગોરધનભાઈ કારાણી (ઉંમર વર્ષ 48) કોરોનાની બીજી લહેરમાં વેકસીન લીધા બાદ કોરોના, ફંગસ મ્યુકરમાયકોસીસનો શિકાર થતાં પરિવાર ઉપર સંકટનાં વાદળો ઘેરાયા હતા કુદરતને એટલેથી સંતોષ થયો ન હોય ઈશ્વરે કઠણ કાળજાના બની કારાણી પરિવાર પાસેથી અમૃતભાઈને છીનવી લેતા પરિવાર શોકમગ્ન બન્યો હતો અને સમગ્ર પરિવારની જવાબદારી માત્રને માત્ર સત્તર વર્ષના એકના એક પુત્ર પાર્થ પર આવી જવા પામી હતી.
પાર્થના પણ નામ તેવા જ ગુણ એક યોદ્ધાની જેમ જવાબદારી ખંભે લઈ કામે લાગી ગયો સવારના છ વાગે દુકાને આવી જાય છે બટેટા બાફવાથી લઈ સંભાર સહિતની સમગ્ર તૈયારીઓ કરી લે છે ગ્રાહકોને સવારમાં ગરમાગરમ ઈડલી, મેંદુવડા, ઢોસા સહિતનો નાસ્તો આપે છે જે સમગ્ર સિલસિલો રાત્રિના 10 થી 11 વાગ્યા સુધી સતત અવિરત ચાલ્યા કરે છે તેના મોઢા પર થાક નથી કારણકે દુકાન નું ભાડું 10000, ઘરનું ભાડું 4000, બે બહેનો અને માતા સહિતના પરિવારનો ખર્ચ અને દુકાનના બે-ત્રણ કર્મચારીઓના પગાર ચૂકવવાની રકમ સતત તેની નજરમાં ઘૂમ્યા કરે છે.
- Advertisement -
પાર્થને ભણવાની તો ઈચ્છા છે પણ ભણવા માટે પૈસા અને સમય જોઈએ જો ભણવા બેસે તો વ્યવસાયના કરી શકે બે મોટી બહેનોએ પણ અભ્યાસનો ત્યાગ કર્યો છે હાલ નાની ઉંમરે ઘરનો મોભી બની પાર્થ ઝઝૂમી રહ્યો છે, કોરોના અને લોકડાઉનના સમયમાં પિતાની સાથે ક્યારેક-ક્યારેક દુકાને આવતો અને મદદ કરતા કરતા ઢોસા સહિતની સામગ્રી બનાવતા શીખી ગયો હતો. લોકડાઉન માં દુકાન – રેકડી તો બંધ રહી ચાર પાંચ માસ કેમ કાઢ્યા તે તેમનો પરિવાર જિંદગીમાં ભૂલી શકે નહીં તેઓ કડવો અનુભવ કરી ચૂક્યા છે.