ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
આજે ફરી એક વખત ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. ક્ષત્રિય સમાજને રાષ્ટ્રનાં વિકાસના દોરમાં અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં અગ્રેસર અને મહત્વની ભૂમિકા ભજવે તેવું આહવાન કર્યુ છે. જણાવ્યું હતું કે હવે મતદાન પુરૂ થયું છે અને રાજનીતિ પણ પુરી થઈ છે. રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક ભાજપના સામાન્ય કાર્યકર તરીકે હું ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી છે, તેમને તેમજ માતૃ શક્તિને નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે જે પણ ભૂલ થઈ છે તે મારા કારણે થઈ છે અને આ માટે મારી જવાબદારી છે.
- Advertisement -
મારી વિનંતી છે કે સઘળુ ભુલી જઈ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાના કાર્યમાં સૌ સાથે મળીને આગળ વધીએ. મારી કારકિર્દીનો આ સૌથી કઠીન દોર છે. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજે આંદોલન વચ્ચે પણ ખુબ જ સંયમ અને શાંતિ રાખી તેના કારણે હું આજે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત થઈ ચુકયો છું. પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો, તેનું કેન્દ્રબિંદુ પણ હું છું. મારા માટે આ ખૂબ પીડાદાયક બાબત છે. પાર્ટીને મુશ્ર્કેલીમાં મુકનારું મારુ નિવેદન રહ્યું છે તેથી તેની સંપૂર્ણ જવાબદારી મારી છે.