ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
વિદેશ મંત્રી એસ. જયશંકરે પહેલી વાર અમેરિકામાં ટ્રમ્પ સરકાર સાથે વાતચીત કરી. તેમણે ટ્રમ્પ સરકારના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી અને ટેકનોલોજી, સંરક્ષણ અને ઊર્જા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
- Advertisement -
બેઠક દરમિયાન દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરવામાં આવી હતી. વિદેશ મંત્રી અમેરિકાના નવા સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં એસ. જયશંકર અમેરિકાના પ્રવાસે છે. તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ગયા હતા. ત્યાં તેમણે ચઞઅઉ દેશોની વિદેશ મંત્રી સ્તરની બેઠકમાં પણ ભાગ લીધો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક પોસ્ટમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, “વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી રૂબિયો અને મારી વચ્ચે પહેલી દ્વિપક્ષીય બેઠક કરીને આનંદ થયો. અમે દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરી જેના અમેરિકન વિદેશમંત્રી રુબિયો મજબૂત સમર્થક રહ્યા છે.
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. તેમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા અને ભારત વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા માટે સહિયારી પ્રતિબદ્ધતા પર સંમતિ વ્યક્ત કરી. તેમણે પ્રાદેશિક મુદ્દાઓ અને અમેરિકા-ભારત સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની તકોની વિશાળ શ્રેણીની ચર્ચા કરી, ખાસ કરીને મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીઓ, સંરક્ષણ સહયોગ, ઊર્જા અને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ વધારવા મુદ્દે ચર્ચા કરી.