ભારતીય ક્રિકેટર દીપક હુડાએ નવ વર્ષની રિલેશનશિપ બાદ હિમાચલની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધાં છે. એ સાથે તેણે જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. દીપકે ઇન્સ્ટાગ્રામ પર આ સુંદર પ્રસંગ બાદ ફોટો અને સ્ટોરી શૅર કર્યા હતા.
દીપકે એમાં લગ્નપ્રસંગની વાત કરતા લખ્યું હતું, ‘નવ વર્ષના લાંબા ઇન્તેજાર બાદ અમારો આ સુંદર દિવસ આવી ગયો. અમે નવ વર્ષની રિલેશનશિપમાં એકેએક દિવસ ખૂબ માણ્યો.’ આઈપીએલમાં લખનઊ સુપર જાયન્ટસ વતી રમી ચૂકેલો દીપક હુડા ભારતમાંથી 10 વન-ડે અને 21 ટી-20 રમ્યો છે.
- Advertisement -
View this post on Instagram
ઑલરાઉન્ડર દીપક ભારત વતી છેલ્લે ફેબ્રુઆરી 2023માં ટી-20 મૅચમાં રમ્યો હતો. તેણે ભારત વતી કુલ 500થી વધુ રન બનાવ્યા છે અને નવ વિકેટ પણ લીધી છે. આઈપીએલમાં તે લખનઊ ઉપરાંત પંજાબ, રાજસ્થાન અને હૈદરાબાદ વતી પણ રમી ચૂક્યો છે.
દીપકે ઇન્સ્ટાગ્રામ પર નવવધુનું નામ લખ્યા વગર મેસેજમાં જણાવ્યું, ‘અમારા ઘરમાં, અમારા પરિવારમાં સ્વાગત છે હિમાચલની દુલ્હનનું. વેલકમ હોમ માય લિટલ-પિટલ હિમાચલી ગર્લ. પરિવારજનોની શુભેચ્છાઓ અને આશીર્વાદ વચ્ચે તારું ભાવભર્યું સ્વાગત છે. આપણે હંમેશાં એકબીજાની સાથે રહેવાની આ સફર શરૂ કરી રહ્યા છીએ. આપણા બંનેના હૃદય એકબીજા પ્રત્યેના મધુર પ્રેમથી છલકાય છે.’