લીલી પરિક્રમાની રાહ જોતા ભાવિકો માટે આનંદનાં સમાચાર: તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
વહિવટી તંત્ર, વન વિભાગ, મનપા, વીજ તંત્ર,પાણી પુરવઠા સહિતનાં વિભાગનાં 54 અધિકારી કામે લાગ્યાં
- Advertisement -
પરિક્રમાને લઇ 24 પ્રકારની કામગીરીનું આયોજન કરાયું: કામગીરી જુદા-જુદા વિભાગમાં વિભાજીત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની ગોદમાં દર વર્ષે કારતક સુદ 11 થી કારતક સુદ પૂર્ણિમા સુધી લીલી પરિક્રમા સ્વયભું યોજાય છે. લીલી પરિક્રમામાં રાજય અને રાજય બહારનાં લાખો ભાવિકો જોડાય છે. લીલી પરિક્રમા ગિરનાર જંગલનાં દુર્ગમ વિસ્તારમાં પગપાળા કરવામાં આવે છે.પરિક્રમામાં ભોજન,ભોજન અને ભક્તિનો અનેરો મહિમા રહેલો છે. ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા તા. 4 નવેમ્બરથી 8 નવેમ્બર 2022 દરમિયાન યોજાનાર છે. કોરોનાનાં કાળમાં એક વર્ષ પરિક્રમા બંધ રહી હતી અને ગતવર્ષે છેલ્લા ઘડીએ મંજુર આપવામાં આવી હતી.જેના કારણે ભાવિકોની સંખ્યા મર્યાદીત રહી હતી.પરંતુ ચાલુ વર્ષે લીલી પરિક્રમાને સંપૂર્ણ મંજુરી મળતા ભાવિકોમાં આનંદ જોવા મળ્યો છે. ગિરનારની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે ત્યારે તેની સુખાકારી સુવિધા માટે તંત્ર એક મહિના પહેલા આયોજન શરૂ કરી દે છે. ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાને લઇ જુદાજુદા સરકારી વિભાગોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પરિક્રમાને લઇ વહિવટી તંત્ર, વન વિભાગ, જૂનાગઢ મહાનગર પાલીકા, પીજીવીસીએલ, પાણી પુરવઠા, જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, આરટીઓ, આરોગ્ય વિભાગ સહિતનાં તમામ વિભાગ કામે લાગે છે. પરિક્રમાની તૈયારીને લઇ બેઠકનો દોર શરૂ થયો છે. જેમાં જુદાજુદા સરકારી વિભાગનાં 54 જેટલા અધિકારીઓ કામે લાગ્યાં છે. તેમજ પરિક્રમા પહેલા 24 પ્રકારની કામગીરીનું આયોજન કરવામાં આવશે. કામગીરી જુદાજુદા વિભાગમાં વિભાજીત કરવામાં આવી છે.લીલી પરક્રિમાની તૈયારીમાં સૌથી મોટો પડકાર રસ્તા રિપેરીંગનો હોય છે. ચાલુ વરસાદનાં કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થયું છે. વન વિભાગ રૂટની કામગીરી કરતું હોય છે. પરંતુ હાલ વરસાદની આગાહી થઇ રહી છે.જેના ધ્યાને રાખી વન વિભાગ દ્વારા નવરાત્રી બાદ પરિક્રમા રૂટની કામગીરીનો પ્રારંભ કરશે. ગિરનારની લીલી પરિક્રમા રૂટની લંબાઇ 36 કિમીની છે. નવરાત્રી બાદ રિપેરીંગ કરવામાં આવશે.
- Advertisement -
નવરાત્રી બાદ 10 દિવસમાં રસ્તા રિપેર થઇ જશે
ભારે વરસાદના કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થયું છે ત્યારે ગિરનાર ફરતે 36 કિમીનાં પરિક્રમા રૂટનું સમારકામ નવરાત્રી બાદ શરૂ કરવામાં આવશે.હાલ હજુ નવરાત્રીમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે,જેના લીધે નવરાત્રી બાદ કામ શરૂ કરવામાં આવશે. 8 થી 10 દિવસમાં પરિક્રમા રૂટનાં તમામ રસ્તા રીપેરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. તેમ ગિરનાર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ.ભાલીયાએ જણાવ્યું હતું.
પ્રતિ વર્ષ થતી કામગીરી શરૂ કરવામાં આવશે
ગિરનારની લીલી પરિક્રમા પ્રતિ વર્ષ યોજાય છે. ગિરનાર જંગલ અભિયારણમાં યોજાતી પરિક્રમામાં વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટ રીપેર, પાણીના પોઇન્ટ નક્કી કરવા,પાણીના ટાંકા સાફ કરવા, કેડીઓ રીપેર કરવી, ઝાડની ડાળી ડાંખળા સાફ કરવા અને વન્ય પ્રાણીનું મોનીટરીંગ સહિત વ્યવસ્થા કરવામાં આવશે. ચોમાસાની વિદાઈ બાદ કામગીરી ની આરંભ કરવામાં આવશે.
મજેવડી દરવાજાથી ભવનાથ જવાનાં માર્ગ પર ભૂગર્ભ ગટરનું ગોકળગતિએ
જૂનાગઢનાં અમૃતભાઇ દેસાઇએ રજુઆત કરી જણાવ્યું હતું કે, લીલી પરિક્રમાને લઇ ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે.મજેવડી દરવાજાથી ભવનાથ જવાનાં માર્ગ પર ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. કામની ગતી ખુબ જ ધીમી છે.ત્યારે પરિક્રમા પહેલા વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. તેમજ દિવાળીનાં દિવસોમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. દિવાળી પહેલા રસ્તો યોગ્ય કરવામાં આવે તેવી માંગ છે.