આવા ગીતો બાળકો પર વિપરીત અસર કરતા હોવાનો દાવો
સિંગર-એક્ટર દિલજીત દોસાંજને આવતીકાલે યોજાનારા તેમનાં લાઇવ શો દરમિયાન આલ્કોહોલ આધારિત ગીતો ટાળવાની સલાહ આપવામાં આવી છે. ચંડીગઢ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ કહ્યું છે કે આલ્કોહોલ નાની ઉંમરનાં બાળકો પર પ્રતિકૂળ અસર કરે છે. ગુરુવારે સીસીપીસીઆરના અધ્યક્ષ શિપ્રા બંસલ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં ખાસ કરીને પટિયાલા પેગ, ફાઈવસ્ટાર અને કેસ વગેરે જેવાં ગીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ ઉપરાંત, દારૂ, ડ્રગ્સ અથવા હિંસાને પ્રોત્સાહન આપતાં ગીતો સામે ચેતવણી પણ આપવામાં આવી છે. ગયાં મહિને હૈદરાબાદમાં દોસાંજના શો દરમિયાન તેલંગાણા સરકાર દ્વારા સમાન નિર્દેશ જારી કરવામાં આવ્યાં બાદ આ નિર્દેશ આવ્યો છે, જ્યાં તેને દારૂ અને ડ્રગ્સને પ્રોત્સાહન આપતાં ગીતોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
નોટિસમાં મોટા અવાજો અને ફ્લેશિંગ લાઇટના કારણે બાળકોને સ્ટેજ પર આમંત્રિત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચંડીગઢ શો માટે જારી કરાયેલ એડવાઈઝરીમાં, સીસીપીસીઆર પ્રમુખે કહ્યું કે, અમારાં ધ્યાનમાં આવ્યું છે કે દિલજીત દોસાંઝ 14 ડિસેમ્બરે એક્ઝિબિશન ગ્રાઉન્ડ, સેક્ટર-34, ચંડીગઢ ખાતે યોજાનારા તેનાં લાઈવ શોમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. સીસીપીસીઆરએ કહ્યું કે, બાળકોનાં શ્રેષ્ઠ હિતમાં સંબંધિત એડવાઈઝરી જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશને એ પણ સુનિશ્ર્ચિત કરવા કહ્યું છે કે 25 વર્ષથી ઓછી ઉંમરનાં લોકોને દારૂ આપવામાં ન આવે. જો આમ થશે તો તે સજાપાત્ર છે.