કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. વિશ્વભરમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે, આફ્રિકા બાદ હવે એમપોક્સ વાયરસે પાકિસ્તાનમાં પણ હાજરી નોંધાવી છે. આફ્રિકાની બહાર પાકિસ્તાન એવો બીજો દેશ છે કે જ્યાં મંકીપોક્સ કેસની પુષ્ટિ કરવામાં આવી છે. હવે WHOની ચિંતા વધી છે.
શું છે મંકીપોક્સ?
મંકીપોક્સને એમપોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આ વાયરસ ઘણા દેશોમાં ફેલાઈ ચુક્યો છે. આ એક રોગ છે જે ઓર્થોપોક્સ વાયરસ જીન્સને લગતો છે. 1958 માં વાંદરાઓમાં આ રોગ પ્રથમવાર ઓળખવામાં આવ્યો હતો. આ પછી તે માણસોમાં ફેલાવા લાગ્યો.
- Advertisement -
મંકીપોક્સ કેવી રીતે ફેલાઈ છે?
એમપોક્સ એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે વ્યક્તિ-થી-વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. અત્યાર સુધી આ પ્રકારનો ચેપ ઘણા લોકોમાં જોવા મળ્યો છે. તે ફલૂ જેવો રોગ છે. જેના કારણે શરીરમાં પરુ ભરેલા ફોલ્લીઓ પણ થાય છે.
ભારતને શું ધ્યાન રાખવાની જરૂર છે?
અશોકા યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના સંશોધનના ડીન અને પ્રોફેસર ડૉ. ગૌતમ મેનને જણાવ્યું હતું કે, “એમપૉક્સને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી લેવામાં આવે છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ હવે તેને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ભારતમાં એરપોર્ટ માટે સ્ક્રીનીંગ કરવું જરૂરી રહેશે અને જેઓને ચેપ લાગ્યો હોય તેમને અલગ રાખવાની વ્યવસ્થા કરવી પડશે. જે દેશોમાં તાજેતરમાં એમપોક્સના કેસ નોંધાયા છે તેવા દેશોના પ્રવાસીઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.”
આ રોગના લક્ષણો?
આ રોગમાં તાવ આવવો, સ્નાયુઓમાં દુખાવો અને ચામડી પર મોટા ફોડલા જેવા જખમ થાય છે જે 2 થી 4 અઠવાડિયા સુધી રહી શકે છે. મંકીપોક્સનો પ્રથમ માનવ કેસ 1970માં કોંગોમાં નોંધાયો હતો અને ત્યારથી વાયરસનો પ્રકોપ ચાલુ રહ્યો છે. હાલ કોંગોમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે, જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં 27,000 કેસ નોંધાયા છે અને 1,100 થી વધુ મૃત્યુ થયા છે, જેમાં મુખ્યત્વે બાળકોનો સમવેશ થાય છે.
- Advertisement -
આફ્રિકાની બહાર આ દેશોમાં પણ નોંધાયા કેસ:
સ્વીડમાં ગુરુવારે આફ્રિકાની બહાર ‘ક્લેડ આઈબી’ના નવા સ્વરૂપનો પ્રથમ કેસ નોંધ્યો હતો. ડબ્લ્યુએચઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મુકે છે. પાકિસ્તાને પણ શુક્રવારે ગલ્ફ કન્ટ્રીથી પરત ફરેલા દર્દીમાં એમપોક્સ વાયરસના કેસની પુષ્ટિ કરી હતી, જોકે તે સ્પષ્ટ નથી થયું કે તે નવો પ્રકાર છે કે ક્લેડ છે જે 2022 થી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યો છે. પાકિસ્તાની સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ દર્દીઓમાં એમપોક્સ સંક્રમણ જોવા મળ્યું છે. આ દર્દીઓ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના રહેવાસી છે અને તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતથી પરત ફર્યા હતા.