રાજકોટનાં ગેમઝોન અગ્નિકાંડમાં ગોંડલનાં બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
રાજકોટનાં ગેમઝોન અગ્નિકાંડમાં ગોંડલનાં બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે. જે પૈકી ખરેડાનાં યુવાનની ઓળખ થયા બાદ 72 કલાક બાદ અન્ય ક્ષત્રીય યુવાનનાં ડીએનએ મેચ થતા મૃતદેહ પરીવારને સોપાયો છે. ગોંડલ તેમનાં નિવાસસ્થાનેથી મોડી સાંજે અંતિમ યાત્રા નીકળતા આંસુઓનો દરીયો વહ્યો હતો. મોટી સંખ્યામાં લોકો યુવકની અંતિમયાત્રામાં જોડાયા છે. પરીવારનાં આશાસ્પદ યુવાનની અણધારી વિદાયથી પરીવારમાં આક્રંદ છવાયુ છે.
ગત શનિવારની ગોજારી સાંજે રાજકોટમાં ગેમજોનમાં સર્જાયેલ અગ્નીકાંડમાં મિત્રો સાથે ગયેલા શત્રુઘ્નસિહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.વ.20) દુર્ઘટનાનો ભોગ બન્યા છે. દુર્ઘટના બની ત્યારથી શત્રુઘ્ન સિંહ લાપતા હતા. 72 કલાક બાદ તેમનાં ડીએનએનો રિપોર્ટ આવતા મૃતદેહ પરીવારને સોંપાયો હતો. ગોંડલ આશાપુરા રોડ પર આવેલાં તેમનાં નિવાસસ્થાનેથી નિકળેલી અંતિમ યાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા. શત્રુઘ્નસિહ બે ભાઇઓનાં પરીવારમાં મોટા હતા. રાજકોટ મારવાડી કોલેજમાં બી.સી.એ.નો અભ્યાસ કરતા હતા.
- Advertisement -
ગોંડલથી ત્રણ મિત્રો પૃથ્વીરાજસિંહ ઝાલા, સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા ગેમ ઝોનમાં ગેમ રમવા ગયા હતા. જેમાં આગ લાગતા પૃથ્વીરાજસિંહ પતરા તોડી કૂદકો માર્યો હતો. તેના મિત્રો સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા બન્ને જીવતા ભૂંજાયા હતા. ડીએનએ ટેસ્ટના આધારે શત્રુઘ્નસિંહનો મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો છે.
કુવાડવાના PSI બી.વી. ભગોરા, બી.ડી. પરમાર (નાયબ મામલતદાર રાજકોટ) અને ગોંડલ નાયબ મામલતદાર મનીષભાઈ જોષી સહીતના અધિકારીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મૃતક યુવાનના મૃતદેહને RMCની શબ વાહીનીમાં યુવકના નિવાસ સ્થાન ગોંડલ સુધી પોહચાડયો હતો. પરિવારજનોને જરૂરી કાગળો કરી સોંપવામાં આવ્યો હતો.
પોતાના વહાલ સોયા દીકરાને ગુમાવનાર પરિજનોએ અગ્નિકાંડના દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી જેથી કરીને અન્ય કોઈ પરિવારે પોતાનો જુવાન જો દીકરો ગુમાવવાનો વારો ન આવે.