રાજકોટના મનસુખભાઈ ગાંધીજી-પટેલ સાથે આઝાદી માટે લડ્યા હતાં : વડાપ્રધાને સાઇકલસેવાને બિરદાવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના સરધાર ગામે રહેતા 98 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ અને ગાંધીજી-પટેલ સાથે અંગ્રેજોના દમનકારી શાસન સામે લડ્યા હતા અને આજે પણ પોતાના હક્ક માટે તંત્ર સામે લડી રહ્યા છે. સરકારી કચેરીઓમાં દોડધામ કરે છે, પરંતુ તેમને પોતાનો પેન્શન પામવાનો હક તો શું યોગ્ય જવાબ પણ મળ્તો નથી. મનસુખભાઈ પંચાલ 50 વર્ષની ઉંમર સુધી દેશભરમાં 11 લાખ કિલોમીટરનો સાઇકલ પર પ્રવાસ કરી દેશના અલગ અલગ વિસ્તારોમાં દેશસેવા અંગે યુવાનોને જાગ્રત કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જોકે આજે પણ તેઓ પેન્શનની માગ સાથે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પાસે કરગરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના નાના એવા સરધાર ગામે રહેતા 98 વર્ષીય મનસુખભાઇ પંચાલ પ્રખર સ્વાતંત્ર્ય સેનાની છે. તેમણે 50 વર્ષની ઉંમર સુધી 11 લાખ કિલોમીટર દેશના અલગ અલગ વિસ્તારોમાં ફરી દેશ સેવા અંગે યુવાનોને જાગ્રત કર્યા હતા. એ સમયે નવયુવાનોમાં દેશસેવાનો અને દેશ દાઝનો પ્રાણ ફૂંકવાની વિશેષ આવશ્યકતા હતી. 1990માં દેશના વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાએ પણ તેમને પત્ર લખી તેમના સાઇકલપ્રેમને બિરદાવ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ જીવનનો મોટો સમય સાઇકલયાત્રા માટે ફાળવી ચૂકયા છે. દેશભરમાં સાઇકલ લઇને ભ્રમણ કરી ચૂક્યા છે. તેમનું અટકાવી દેવાયેલું દેશસેવક તરીકેનું પેન્શન ફરી શરૂ કરવાની માગ લઇને તેઓ તંત્રને અનેક વખત રજૂઆતો કરી ચૂકયા છે. આજે પોતાના હકના પેન્શન માટે પણ તેમને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે મનસુખભાઈ લાચાર બની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પેન્શનની માગ કરી રહ્યા છે.