એક સાથે બે સિગ્નલ ન ખોલવા સ્થાનિકોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં અનેકે જગ્યાએ ટ્રાફિક સિગ્નલ હોવા છત્તા ઠેર-ઠેર ટ્રાફિક જામ થવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. શહેરના 150 ફુટ રિંગ રોડ ઉપર આવેલ રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં રહેલ ટ્રાફિક સિગ્નલને લઈને આફ્રિકા કોલોની તરફ થી મોમ્બાસા એવન્યૂ તરફ જવા તેમજ મોમ્બાસા એવન્યૂ તરફથી આફ્રિકા કોલોની તરફ જવા માટે સિગ્નલ એક સાથે ખુલે છે. જેને લઈને ચોકમાંથી જમણી બાજુ તરફ વળી શકાતુ નથી અને ત્યાં કાયમ માટે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આ ઉપરાંત 150 ફુટ રિંગ રોડ પર ઇન્દિરા ચોક થી નાણાવટી ચોકનું કે નાણાવટી ચોક થી ઇન્દિરા ચોક તરફ નું સિગ્નલ ખુલે ત્યારે ચોકમાં અગાઉનો ટ્રાફિક જામ હોવાથી વધારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આમ સિગ્નલ હોવા છતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. આવા સંજોગોમાં સ્થાનિકોની માંગ છે કે આફ્રિકા કોલોની તરફથી મોમ્બાસા એવન્યૂ તરફ જવા માટે તેમજ મોમ્બાસા એવન્યૂ તરફ થી આફ્રિકા કોલોની તરફ જવા માટેના સિગ્નલ એક સાથે ખોલવાને બદલે વારાફરતી ખુલે તો ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. અહીં સ્થાનિકો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે અને ટ્રાફિક જામથીં મુક્તિ મળે તેવી આશા સાથે તંત્રને રજૂઆત કરી રહ્યા છે.
સ્થાનિકની ‘ખાસ ખબર’ને રજૂઆત
ટ્રાફિક સિગ્નલ સંબંધિત મુશ્કેલી અંગે ત્યાંના સ્થાનિકે ખાસ ખબર સાથે વિશેષ વાતચીત કરી હતી અને તેમને પડતી મુશ્કેલી વર્ણવી હતી. સાથે જ તંત્રનું ધ્યાન દોરવા સાથે જ વહેલી તકે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી. વધુમાં જણાવ્યું કે, અમે આ વિસ્તારમાં જ રહીએ છીએ અને દરરોજ અહીંથી અવર-જવર કરીએ છીએ. પરંતુ રોજની આ પ્રકારની ટ્રાફિક સમસ્યાથી ઘણો બધો સમય રસ્તા પર જ વ્યર્થ જઈ રહ્યો છે.