સાયબર ક્રાઈમે જેને પાઠ ભણાવ્યો એ ઢગો વિકૃત મનોવૃત્તિનો ધણી!
સુપ્રીમ કોર્ટનો વકીલ હોવાનો વાહિયાત દાવો કરતો કાંતિ વાસ્તવમાં વિકૃત દિમાગનો શખ્સ!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નિલ્સ સિટી ક્લબમાં આયોજીત અર્વાચીન દાંડિયારાસમાં આવેલી એક મહિલાની માહિતી મેળવી સોશિયલ મીડિયા પર મેસેજ મોકલી પજવણી કરનાર યુવક કાંતિ મકવાણાની ધરપકડ કરી લેવામાં આવી છે. કાંતિ મકવાણાની રોમિયોગીરી બાદ પોલીસે પાઠ ભણાવ્યાની ખબર વચ્ચે તેના વિશેની અન્ય કેટલીક સ્ફોટક વિગતો પણ પ્રકાશમાં આવી છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર રહેતી બે યુવાન પુત્રની માતાને કાંતિ મકવાણા નામના શખ્સએ સોશિયલ મીડિયા પર સતત મેસેજ કરી પજવણી કરી હતી. જે અંગે મહિલા અને તેના પરિવાર દ્વારા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાંતિ મકવાણાની ધરપકડ કરવામાં આવેલી હતી. આ દરમિયાન જાણવા મળતી વધુ વિગત અનુસાર કાંતિ મકવાણા અન્ય મહિલાઓ-યુવતીઓને પણ પ્રતાડિત કરતો હોવાની આશંકા સેવાઈ રહી છે. એટલું જ નહીં, નિલ્સ સિટી ક્લબમાં અર્વાચીન દાંડિયારાસમાં આવેલી અન્ય કેટલીક મહિલાઓ-યુવતીની માહિતી મેળવી કાંતિ મકવાણાએ મેસેજ કર્યા હોવાની પણ દ્રઢ શંકા સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા ઓર બહેનો-દીકરીઓની પજવણી કરનારા આવારા તત્વ કાંતિ મકવાણાને સીધો કરવા પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે સમગ્ર મામલે હજુ કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે છે.
- Advertisement -
કાંતિએ જેમને સતાવી છે એવી મહિલાઓ આગળ આવે તેવી શક્યતા
વિકૃત મનોવૃત્તિ ધરાવે છે કાંતિ મકવાણા
ગોંડલ સ્થિત સૂત્રોના જણાવ્યા અનુસાર કાંતિ મકવાણા ફિમેલ મેનિયાક છે. મનોવિકૃત માનસિકતા ધરાવે છે. અધૂરામાં પૂરું પોતે કારખાનામાં નોકરી કરતો હોવા છતાં સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ હોવાની ખોટી ઓળખ આપે છે. ફક્ત સોશિયલ મીડિયામાં જ નહીં, કાંતિ મકવાણા રસ્તે પસાર થતી મહિલાઓ-યુવતીઓ પર પણ નજર બગાડી પજવણી કરવામાં પણ કશું બાકી રાખતો નથી એવું કાંતિ મકવાણાના ગામ દેરડી કુંભાજી અને ગોંડલના સૂત્રોએ જણાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
રાજકોટની એક 42 વર્ષની મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગોંડલના દેરડી કુંભાજીના કાંતિ દેવજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી કાંતિ મકવાણાએ ફરિયાદી મહિલાને મેસેજમાં કહ્યું હતું કે, ‘તમને નીલ સિટી ક્લબમાં નવરાત્રિમાં જોયા હતા’ આ સિવાય ‘હું તમને પ્રેમ કરું છું, મારે તમને જોવા છે, તમે વિડીયો કોલ કરો, મારે તને મળવું છે.’ આવા કેટલાય મેસેજ કાંતિ મકવાણાએ કરતા કંટાળેલી મહિલા અને તેમના પરિવાર દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ કરનારના મોબાઇલ નંબર શોધી કાઢ્યા હતા અને મેસેજ કરનાર દેરડી કુંભાજીનો કાંતિ દેવજી મકવાણા હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલ કાંતિ મકવાણા આઈટી એક્ટ હેઠળ કરેલા ગુના બદલ પોલીસના સકંજામાં છે.
- Advertisement -
કાંતિ મકવાણાથી પીડિત મહિલાઓ-યુવતીઓ ફરિયાદ કરવા આગળ આવે
સોશિયલ મીડિયા પર કાંતિ મકવાણા જેવા આવારા તત્વોનો રાફળો ફાટ્યો છે. બહેનો, દીકરીઓ, માતાને ગમે ત્યારે ગમે તેવા મેસેજ કરી ગેરવાજબી માગણી કરતા કાંતિ મકવાણા જેવા લુખ્ખાઓને પાઠ ભણાવવો જરૂરી બની જાય છે. કાંતિ મકવાણાએ એક નહીં અસંખ્ય મહિલાઓ-યુવતીઓને બીભત્સ મેસેજ કરી પજવણી કર્યા હોવાની શંકા સેવાઈ રહી છે ત્યારે કાંતિ મકવાણાથી પીડિત અન્ય મહિલાઓ-યુવતીઓ આગળ આવી પોલીસ ફરિયાદ કરે એ જરૂરી બની જાય છે.