રાતીયા ખાતે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ-2025નો ભવ્ય કાર્યક્રમ યોજાયો, કૃષિ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના અવિરત વિકાસયાત્રાના ગૌરવપૂર્ણ 24 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં ઉજવાતી વિકાસ સપ્તાહ-2025ની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લાના રાતીયા ગામે કૃષિ વિકાસ દિવસ તથા રવિ કૃષિ મહોત્સવ-2025નો ભવ્ય કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મંત્રીએ ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, આ કૃષિ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો છે, જેથી ખેતી વધુ સમૃદ્ધ અને આવકવર્ધક બની શકે. એક સમય એવો હતો જ્યારે આપણો દેશ ખાદ્યપદાર્થોમાં આત્મનિર્ભર નહોતો, પરંતુ આજે ખેડૂતોના અવિરત પરિશ્રમ અને નવી ટેકનોલોજીના સ્વીકારથી ભારત નિકાસકાર દેશ તરીકે ઉભર્યો છે. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેતી ક્ષેત્રે થયેલી પ્રગતિની ચર્ચા કરતાં જણાવ્યું કે ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે લોન, કિસાન સન્માન નિધિ યોજના અને કૃષિ મેળાઓ જેવી યોજનાઓથી સીધો લાભ મળી રહ્યો છે. ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિવારણ માટે તૈયાર કરાયેલા માસ્ટર પ્લાન અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું કે ત્રણ તબક્કામાં અમલમાં મૂકાયેલી આ યોજના આગામી સમયમાં પાણીની સમસ્યાને પૂર્ણવિરામ આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીના રિફોર્મ 2025ના લાભો ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. સાથે સ્વચ્છતા હિ સેવા અને હર ઘર સ્વદેશી અભિયાનને સફળ બનાવવા સૌને જોડાવાનું આહ્વાન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું કે આજે દેશના 80 કરોડથી વધુ નાગરિકોને નિશુલ્ક અનાજ પૂરૂં પાડવામાં ખેડૂતોનો મહત્ત્વનો ફાળો છે. કાર્યક્રમ દરમિયાન કૃષિ પ્રદર્શનીનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેમણે વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન આવળાભાઈ ઓડેદરા, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ હંસાબેન માવડીયા, તથાઅનેક અગ્રણી ખેડૂત અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.