જિલ્લા કલેકટર દ્વારા તરણેતર મેળાના પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાક મેળાઓને મળેલી પરવાનગી અંતિમ ઘડીએ રદ કરવામાં આવી હતી. ત્યારે હાલ મેઘરાજાએ વિરામ લેતા સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતર ગામે દર વર્ષે યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો યોજવા અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તરણેતર ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મેળાનાં આયોજન સાથે સંબધિત અધિકારી તથા પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરતા તરણેતરનો ભાતીગળ લોકમેળો પોતાની ઓળખ સાચવે તે દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણી શકે તેવી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન સુચના આપ્યા હતા. મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ છે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તે પ્રકારનાં ક્ષતિરહિત આયોજન અને અમલીકરણ માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને કાર્ય કરવાની સૂચના આપી હતી.
- Advertisement -
જિલ્લા કલેક્ટર દ્વારા મેળાને ધ્યાનમાં રાખીને મેળાનું મેદાન, તરણેતર જતા વિવિધ રસ્તાઓની ચકાસણી કરી ભારે વરસાદ બાદ તૂટેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ, રસ્તાઓ પર સાઈન બોર્ડ ગોઠવવા સહિતની કામગીરી, મેળાનાં દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસનાં રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ-મેળાનાં મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાનાં પાણી-શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ-એમ્બ્યુલેન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
સાથે જ રાજ્ય સરકાર દ્વારા મેળામાં નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવાનું ધ્યાનમાં રાખી નિયત SOP મુજબ મેળાનું આયોજન થાય તે માટે અને મેળામાં દુર્ઘટના નિવારવા માટે બેરિકેટિંગ, તરવૈયાઓની ટીમ, SDRFની ટીમો સહિતની જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વિગતવાર સૂચનો કર્યા હતા. મેળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, પશુ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી. તરણેતરનાં મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્ટોલધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે.



