ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની મચ્છુ નદી ઉપર 1880 માં બાંધવામાં આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ ગત તા. 30 ઓકટોબરની સાંજે ધરાશાયી થયો ત્યારે ઓછામાં ઓછા 135 લોકોએ તેમની મહામૂલી જીંદગી ગુમાવી છે અને 180 થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં 20 ભૂલકાઓ કે જેઓએ માતા-પિતા કે કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરુપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરુપમાં રૂ. પાંચ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકો આ દુર્ઘટનામાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને 12 બાળકો એવા છે કે જેમણે મા-બાપ પૈકી કોઈ એકને ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કૂખમાં ઉજરી રહેલ બાળક માટે પણ રૂ. 25 લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહ્યું છે.
અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા તંત્ર સાથેના પરામર્શમાં રહી 20 બાળકો માટે ચોકકસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંતભાઈ ગઢવીએ મોરબીના જીલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર સુપરત કર્યો હતો.