14 ગામના લોકોને 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે
ખાસ-ખબર સંવાદદાતા
મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશને લોકોને સ્વાસ્થ્ય કવચ પહોંચાડવાના સંકલ્પને સફળતાપૂર્વક સિદ્ધ કર્યો છે. 14 ગામોના 1500થી વધુ પરિવારોને આયુષ્યમાન યોજનાથી આવરી લેવાની કામગીરી પૂર્ણ કરી છે. ગામલોકોને ઘરેબેઠા સ્વાસ્થ્ય કવચથી આવરી લેવાતા હવે તેઓ 10 લાખ સુધીની તબીબી સારવાર તદ્દન મફત કરાવી શકશે. 30 એપ્રિલ-2023ના રોજ કલેક્ટરની ઉપસ્થિતીમાં ફાઉન્ડેશનની ટીમે આસપાસના ગામોલોકોને આયુષ્યમાન યોજનાથી 100% લાભાન્વિત કરવા સંકલ્પ લીધો હતો.
‘બહુજન સુખાય’ના ભારતીય વિચારને સાર્થક કરતા અદાણી ફાઉન્ડેશનની ટીમ જન આરોગ્ય માટે સેવારત છે. મુંદ્રાની આસપાસના ગામલોકોને આયુષ્યમાન કાર્ડથી સાંકળી લેવા તેમણે દિન-રાત એક કરી જનસંપર્ક અભિયાન આદર્યુ હતું. જેમાં 1500થી વધુ લોકો સુધી પહોંચી કાર્ડ મેળવવાની તમામ સરકારી કાર્યવાહી પૂર્ણ કરાવી હતી. ફાઉન્ડેશનની ટીમ આ સેવાકાર્ય માર્ચ-2024 સુધી અવિરત જારી રાખી જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સંકટમાંથી ઉગારશે.
- Advertisement -
ફાઉન્ડેશનની ટીમ જણાવે છે કે અમારો સંકલ્પ સાકાર થતો જોઈ અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. સ્થાનિક ગ્રામપંચાયતો, આગેવાનોના સાથ-સહકાર અને ટીમવર્કના કારણે આ મુશ્કેલ કાર્ય સંભવ થયું છે. તાલુકાનાં તમામ ગામો સુધી પહોંચવાની અમારી નેમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારી કામગીરી અવિરત જારી રહેશે.
સ્વસ્થ ભારત પહેલ હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકને 10 લાખ સુધીની મદદ મળે છે. લાભાર્થીઓ પેપરલેસ અને કેશલેસ સુવિધાઓનો લાભ લઈ શકે છે. યોજનામાં લગભગ 1350 તબીબી પેકેજ આવરી લેવાયા છે. લાભાર્થી દર્દીઓને દૈનિક સંભાળ સારવાર, સર્જરી, દવાઓનો ખર્ચ, નિદાન ખર્ચ, પરિવહન ખર્ચ, ખાદ્ય સેવાઓ અને રહેઠાણ ખર્ચાઓમાંથી મુક્તિ મળે છે. દવા માટે દેવુ કરતા લાખો લોકો માટે તે ખરેખર આયુષ્યમાન ભવ:ના આશિર્વાદ સમાન છે.